રાજકોટ શહેરમાં દિવસ દરમિયાન એક ઈંચ અને રાત્રીના મેઘરાજાએ તોફાની બેટિંગ કરી દોઢ ઈંચ વરસાદ વરસાવી દીધો હતો. જોકે જિલ્લાની ઉપરવાસમાં સારો વરસાદ વરસતા આજી-3 ડેમમાં પાણીની વિપુલ પ્રમાણમાં આવક થઈ છે. ડેમમાં સતત પાણીની આવકના કારણે પૂર્ણતઃ સપાટીએ ભરાવવા આવ્યો છે. ત્યારે આજી-3 ડેમના હેઠવાસના પડધરી તાલુકાના ખજુરડી, થોરીયાળી, મોટા ખીજડીયા ઉપરાંત ટંકારા તાલુકાના ખાખરા, જોડિયા, બોડકા, જસાપર, જીરાગઢ, મેઘપર, પીઠડ, રસનાળ અને ટીંબડી ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.


આ ઉપરાંત ધ્રોલ તાલુકાના મોડપર, ધરમપુર, સગાડીયા, સધાધુના, દેડકદડ સહિતના ગામોને એલર્ટ કરાયા છે. પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારથી દૂર રહેવા સૂચના આપી છે.


વરસાદ આગાહી


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસશે અતિભારે વરસાદ. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર આગામી પાંચ દિવસ પૂરા ગુજરાતમાં મેઘરાજાની મહેર યથાવત રહેશે. તેમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.


અમદાવાદમાં ધોધમાર વરસાદ


આજથી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદમાં વહેલી સવારના જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાતભર આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા અને વહેલી સવારે 5 વાગ્યે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ થ હતો. પહેલા ધીમીધારે વરસાદ શરૂ થયો અને સવારે પોણા છ વાગ્યાને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.


શહેરના એસ. જી. હાઈવે, સરખેજ, ઈસ્કોન, પકવાન ચાર રસ્તા, સેટેલાઈટ, પ્રહલાદનગર, શ્યામલ ચાર રસ્તા, થલતેજ, સોલા, સાયંસ સિટી, રાણીપ, બોપલ, ઘુમા, શેલા, શીલજ, એસ.પી. રિંગ રોડ, સાણંદ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો પૂર્વના બાપુનગર, શાહપુર, સરસપુર, નિકોલ, સૈજપુર- બોઘા, નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, સીટીએમ, નારોલ, ઈસનપુર, ઘોડાસર, કૃષ્ણનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવવાનું શરૂ થયું છે.