Vijay Rupani death news: ગુજરાતના પનોતા પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું આજે રાજકોટ ખાતે રામનાથ પરા સ્મશાન ગૃહમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 12મી જૂનના રોજ અમદાવાદમાં થયેલા કરુણ પ્લેન ક્રેશમાં તેમનું નિધન થયું હતું, જ્યારે તેઓ પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. ગઈકાલે DNA સેમ્પલ મેચ થયા બાદ આજે (16 જૂન) સવારે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવ્યો હતો, ત્યારબાદ ચાર્ટર પ્લેન દ્વારા સિવિલ હોસ્પિટલથી તેમના રાજકોટ સ્થિત નિવાસ સ્થાને લઈ જવામાં આવ્યો હતો.

Continues below advertisement

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં શોકની ગહેરી લાગણી પ્રસરી ગઈ છે. તેમના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યો ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિવિધ રાજકીય, સામાજિક, ધાર્મિક અને વ્યાપારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ પોતાના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા.

પૂર્વ CM વિજય રૂપાણીને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ તેમના નિવાસસ્થાનેથી સાંજે 7:40 વાગ્યે સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી. રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું કે રાજમાર્ગો પર આટલી વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ચાલુ વરસાદમાં પણ અંતિમ દર્શન માટે કોટેચા ચોક સહિતના વિસ્તારોમાં લોકો ઉમટી પડ્યા હતા. તેમની અંતિમયાત્રા રાત્રે 9:40 વાગ્યે રામનાથપરા સ્મશાન પહોંચી હતી. સમગ્ર રાજમાર્ગ પર આશરે 6 કિલોમીટર સુધી લોકોની લાંબી કતારો જોવા મળી હતી, અને સતત 'વિજયભાઈ તું અમર રહો...', 'ભારત માતા કી જય...' ના નારા ગુંજી રહ્યા હતા, જે તેમની લોકપ્રિયતા અને લોકોના હૃદયમાં તેમનું સ્થાન દર્શાવતા હતા.

વિજયભાઈની અંતિમયાત્રામાં સામાન્ય નાગરિકોથી લઈ સેલિબ્રિટીઓ સુધી, તેમજ નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન સહિતના તમામ વય જૂથના લોકો ઉમટી પડ્યા હતા. આ દ્રશ્યો દર્શાવતા હતા કે તેમણે માત્ર રાજકારણી તરીકે જ નહીં, પરંતુ એક સાચા જનસેવક તરીકે લોકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું હતું. રામનાથપરા સ્મશાન ખાતે ભાવુક વાતાવરણમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી.