Gamezone Fire: રાજકોટમાં શનિવારે ગેમ ઝૉનમાં લાગેલી આગ પર હવે રાજનીતિ શરૂ થઇ ગઇ છે. ટીઆરપી ગેમ ઝૉનમાં 28 લોકોના આગમાં ભૂંજાઇ જવાથી મોત થયા હતા, સરકારે આ મુદ્દે કાર્યવાહી શરૂ કરીને રાજ્યભરમાં ગેમ ઝૉનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યમાં 100થી વધુ ફાયર સેફ્ટી વિનાના ગેમ ઝૉનને બંધ કરાવ્યા છે. મૃતકોની ઓળખ થયા બાદ હવે સરકાર તરફથી તમામને સહાય પણ જાહેર કરવામાં આવી છે. કોંગ્રેસે રાજ્યમા આ મુદ્દે સરકારને ઘેરી છે. આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને ગુજરાત સરકાર અને ભૂપેન્દ્ર પટેલ પર આકરા પ્રહાર કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે.
આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે. તેમને કહ્યું કે, ટીઆરપી અગ્નિકાંડની ઘટના મામલે શક્તિસિંહે માંગ કરી કે મૃતકોના પરિવારને મોટી આર્થિક મદદ કરવી જોઇએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ઘટના પર જાતે નિર્ણય લેવા જોઇએ, સરકાર મૃતકોના પરિવારજનોને સારૂ વળતર આપે. શક્તિસિંહ ગોહિલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, FIRમાં ઉચ્ચ અધિકારીઓના નામ કેમ નથી. દાખલો બેસાડીને ઉચ્ચ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરો. શક્તિસિંહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસ આ ઘટનાને લઇને રાજ્યના તમામ જિલ્લાઓમાં બિન રાજકીય શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજશે.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે માંગ કરી છે કે, રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ પગલા લેવાવવા જોઇએ. રાજકોટ અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ વિરૂદ્ધ FIRની માગ કરવામાં આવી છે, આ ગેમ ઝૉનના સંચાલકોના ભાજપ નેતાઓ સાથેના કનેક્શન છે. પ્રામાણિક કર્મચારીને સાઈડ પૉસ્ટિંગ અપાય છે અને ભ્રષ્ટ અધિકારીઓને પોશવામાં આવી રહ્યાં છે. સરકારે સારા-સારા અધિકારીઓની કારકિર્દી ખતમ નાંખી છે.
શક્તિસિંહ ગોહિલના રાજ્ય સરકાર પર પ્રચંડ પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે, આ દૂર્ઘટનામાંથી સરકાર પાઠ નથી શીખી રહી. સરકાર મોટી માછલીઓને છાવરી રહી છે. ગેમ ઝૉન પ્રશાસનના આશરામાં ચાલતુ હતું. ગેમ ઝૉનનું પાપ છુપાવવાનો અધિકારીઓ પ્રયાસ રહ્યો, રાજકોટમાં હપ્તારાજ ચાલે છે. રાજકોટ મનપા પર શક્તિસિંહના પ્રચંડ પ્રહારમાં કહ્યું કે, નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને મોટી માછલીઓને બચાવાઇ રહી છે.