Rajkumar Jat Suspicious death case:  ગોંડલમાં ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેસની તપાસમાં મહત્વનો વળાંક લાવતા ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે કરવામાં આવ્યો છે. ગણેશ જાડેજાએ આ ટેસ્ટ માટે પોતાની સહમતિ આપી હતી, જેના આધારે કોર્ટે મંજૂરી આપી હતી. નાર્કો ટેસ્ટ પહેલાં, ગણેશ જાડેજાના ત્રણ દિવસ સુધી અલગ અલગ પ્રાઇમરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ આજે મુખ્ય નાર્કો ટેસ્ટ લેવામાં આવ્યો છે.

Continues below advertisement

બસ ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં થાય: ઉંમર અને તબિયત કારણભૂત

આ કેસમાં રાજકુમાર જાટને એક ખાનગી બસે ટક્કર મારી હતી, તે બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે નહીં. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ ચાલકની ઉંમર વધુ હોવાથી અને તેમની વર્તમાન શારીરિક સ્થિતિ નાર્કો ટેસ્ટ જેવી પ્રક્રિયા માટે અનુકૂળ ન હોવાથી તેમને આ ટેસ્ટમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આમ, હવે તમામ મદાર ગણેશ ગોંડલના ટેસ્ટ રિપોર્ટ પર રહેશે.

Continues below advertisement

સામસામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સમર્થકોની માંગ

એક તરફ પોલીસ સત્ય શોધવા માટે મથામણ કરી રહી છે, ત્યારે બીજી તરફ આ કેસમાં સામાજિક અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા પણ એક નવી માંગણી કરવામાં આવી છે. સમર્થકોનું કહેવું છે કે નિષ્પક્ષ તપાસ માટે માત્ર ગણેશ ગોંડલ જ નહીં, પરંતુ મૃતક રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. હાલમાં સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુ આ હાઈ-પ્રોફાઈલ કેસની ઝીણવટભરી તપાસ ચલાવી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

આ કેસ અંગે વિગતે વાત કરીએ તો, 9 માર્ચના રોજ ગોંડલના યુવક રાજકુમાર જાટ (મૂળ રાજસ્થાનના) નો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી મળી આવ્યો હતો. રાજકુમારના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમારને માર મારવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. રાજકુમાર ગુમ થયાની નોંધ 6 માર્ચે નોંધાઈ હતી.

જોકે, શરૂઆતમાં રાજકોટ પોલીસે 14 માર્ચે ખુલાસો કર્યો હતો કે રાજકુમારનું મોત મહાસાગર ટ્રાવેલ્સની 3131 નંબરની બસની અડફેટે આવવાથી અકસ્માતમાં થયું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાત્રે 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે અકસ્માત થયો હતો. પોલીસે 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા બાદ ડ્રાઇવર રમેશ મેરને પકડી પાડ્યો હતો. આ ઉપરાંત ડ્રાઇવરે પણ કબૂલાત કરી હતી કે રાત્રિનો સમય હોવાથી ભૂલથી અકસ્માત થયો હતો. જો કે, ડ્રાઇવરે માલિકને અકસ્માત વિશે ખોટું (રોઝડું અથડાયું) કહ્યું હતું.

તો બીજી તરફ મૃતક રાજકુમારના પિતા રતનલાલ જાટ સતત આરોપ લગાવી રહ્યા છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ દ્વારા જાહેર કરાયેલા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ઘરના CCTV ફૂટેજ અધૂરા અને એડિટ કરેલા હતા. રાજકુમારના શરીર પર 43 જેટલા ઇજાના નિશાન હતા, જે 'હાર્ડ એન્ડ બ્લન્ટ ઓબ્જેક્ટ' થી થયા હતા. જોકે, ફોરેન્સિક પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં આ ઇજાઓ અકસ્માતને કારણે થઈ હોવાનું જણાવાયું હતું.

રતનલાલ જાટ ન્યાય માટે સુપ્રીમ કોર્ટ સુધી લડવાની તૈયારી બતાવી હતી. આ વિવાદને પગલે ઓક્ટોબરમાં હાઇકોર્ટે કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને DySP જે.ડી.પુરોહિતને સોંપી હતી.