ગીર સોમનાથ: ઉનાના ખીલવાડ ગામે સિંહ બાળની હત્યા મામલે વન વિભાગે વાડીના માલિક અરજણ ગભા બારૈયા વિરુધ્ધ ગુનો નોંધ્યો છે અને અરજણ ગભા બારૈયાને પકડી પાડવા વનવિભાગે ચક્ર ગતિમાન કર્યા છે. આ ઘટનાને પગલે વનવિભાગ ના સીસીએફ ઘટના સ્થળની મુલાકાત લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ખિલાવડમાં બે માસના એક સિંહ બાળનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ સિંહ બાળનો મૃતદેહ એક પ્લાસ્ટિકની થેલીમાંથી મળી આવ્યો હતો. શંકાસ્પદ મોત મામલે તપાસ કરતા સિંહ બાળની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સિંહ બાળને માથાના ભાગે તિષ્ણ હથિયાર હુમલો તેમજ મોઢા ના ભાગે બોથડ પદાર્થ થી હુમલો કરી કરાઈ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સિંહ સંરક્ષણ અંગેની વન વિભાગની કાર્યવાહી સામે અનેક તર્ક-વિતર્કો ઉભા થયા છે.

એશિયાટિક સિંહ અને જંગલના અન્ય વન્ય પ્રાણીઓના રક્ષણની કામગીરી રાજ્યના વન વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં પણ કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગેરકાયદે ‘સિંહ દર્શન’ની પ્રવૃતિ કરવાની અને સિંહ પજવણીના વીડિયો અવાર-નવાર સામે આવતા હોય છે. આ સંજોગોમાં આજે એક સિંહ બાળનો શંકાસ્પદ મૃતદેહ મળવાની ઘટના સામે આવી છે.