રાજકોટઃ કોરોનાની બીજી લહેર બાદ યુવાનો માટે રાહતના સમાચાર આવ્યા છે.  રવિવારે  RFOની પરીક્ષા યોજવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 54 કેન્દ્રો પર 12 હજાર કરતા વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જોકે નવાઈની વાત એ છે કે, કોરોના પોઝિટિવ ઉમેદવારો પણ પરીક્ષા આપી શકશે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે.


અધિક કલેકટરે કહ્યું પોઝીટીવ દર્દીઓને રજિસ્ટ્રેશન કરવું પડશે. ખાસ પીપીઈ કીટ યુવાનોને આપવામાં આવશે. પરીક્ષાર્થીએ કોઈ પણ ઇલેક્ટ્રીક ગેજેટ લાંવી શકશે નહીં. પરીક્ષાને લઇને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને GPSC ના અધિકારીઓ વચ્ચે ગુરુવારે મહત્ત્વની બેઠક રાજકોટમાં યોજવામાં આવી હતી.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવતી કાલે ૨૦મી તારીખ ને રવિવારે રાજકોટમાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. તેના ભાગરૂપે પરીક્ષાના પ્રશ્ન પેપરો આજે ૧૯મી તારીખે ગાંધીનગરથી રાજકોટ પોલીસ બંદોબસ્ત સાથે વાહન રવાના થશે. સાંજ સુધીમાં વર્ગ-૧ અને ૨ ના અધિકારીઓ સાથે સિલબંધ કવરમાં પ્રશ્ન પેપરો રાજકોટ આવી જશે. કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૧૨૩૬૫ ઉમેદવારોની પરીક્ષા ૫૪ બિલ્ડીંગમાં ગોઠવવામાં આવી છે. એક વર્ગખંડમાં માત્ર ૨૦ ઉમેદવારો પરીક્ષા આપશે.


રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પ્રશ્ન પેપર રાજકોટ આવી પહોંચ્યા બાદ તા. ૨૦ ના સવારે દરેક કેન્દ્રો ઉપર પહોંચી જશે. સવારે ૧૦ થી ૧ અને બપોરના ૩ થી ૬ પ્રશ્ન પેપરનો સમય રહેશે. ઓ.એમ.આર. પધ્ધતિ પ્રમાણે લેવામાં આવનાર પરીક્ષામાં સવારે ૯-૩૦ કલાકે દરેક બિલ્ડીંગમાં ઉમેદવારોને પ્રવેશ અપાશે. કોરોનાની ગાઇડલાઇન મુજબ દરેક કેન્દ્રોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટમાં પરીક્ષા આપનારા ઉમેદવારોમાં એક પણ ઉમેદવાર કોરોનાથી સંક્રમિત હોવાનું જાહેર થયું નથી. જો હોય તો તેની બેઠક વ્યવસ્થા અલગ રીતે થશે. પરીક્ષા પુરી થયા બાદ સાંજના ગાંધીનગરથી આવેલ અધિકારીઓની સાથે સમગ્ર ઉત્તરવહીઓ પોલીસ બંદોબસ્ત સાથે પરત જશે. ગેરરિતી રોકવા માટે સીસીટીવી કેમેરા સહિતની વ્યવસ્થા દરેક કેન્દ્રો ઉપર છે. તેમજ દરેક કેન્દ્રોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે.