Rajkot News: તહેવારોની સિઝન વખતે જ સિંગતેલના ભાવમાં ભડકો થયો છે. આજે સિંગતેલના ભાવમાં પ્રતિ ડબ્બાએ 20 રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા 5 દિવસમાં ડબ્બાએ 200 રૂપિયાનો વધારો થતાં ઙભાવ 3170ને પાર પહોંચ્યો છે. હાલ બજારમાં મગફળીની અછત છે, જેના કારણે પીલાણમાં આવતી ન હોવાથી 90 ટકા મિલો બંધ છે. સિંગતેલનો ડબ્બો દિવાળી સુધીમાં 3300 રૂપિયા સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.
સ્વાભાવિક રીતે જ સિંગતેલની માંગમાં કોઈ વધારો નથી થયો,ઉલ્ટુ સતત ઉંચા ભાવથી માંગ ઘટી છે, મગફળીની આવક યાર્ડમાં આવક શરૂ થઈ છે, આ ચોમાસામાં મગફળીના સારા પાકનો ખુદ સરકારનો અંદાજ છે અને છતાં મોંઘા તેલનો મલિન ખેલ ખેલીને આ ભાવ વધારાઈ રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ પગલા લેવાયા નથી અને પ્રજા આ અનિયંત્રીત,બેફામ ભાવવધારાથી ત્રાહિમામ પોકારી ગઈ છે. નવી સીઝનની ધૂમ મગફળી બજારમાં ઠલવાય તેવી શક્યતા છે. આમ છતાં સરકારે કશું નહીં કરીને અને તેલ લોબીએ મોંઘા તેલનો ખેલ ખેલીને ભાવને અસહ્ય રીતે વધારી દીધા છે.
સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણી અને સામાન્ય લોકોને ફરી એકવાર મોંઘવારીનો માર સહેવાનો વારો આવ્યો છે. તહેવારોની પૂર્વે ખાદ્યતેલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.3100ને પાર જ્યારે કપાસિયા તેલમાં એક મહિનામાં 100 રૂપિયાનો અને સોયાબીન તેલમાં પણ એક મહિનામાં 100 રૂપિયાનો વધારો થયો છે. હાલ કપાસિયા અને સોયાબીન તેલના ડબ્બાનો ભાવ રૂ.1700ને પાર બોલાઈ રહ્યો છે. તેલના ભાવમાં એવરેજ 30 ટકાનો વધારો નોંધાયો છે. તહેવાર ટાણે જ તેલના ભાવ ઊંચકાયા જનતાના શીરે મોંઘવારીનો ભાર આવ્યો છે. ગયા વર્ષે ખેડૂતોને ઓપન માર્કેટ યાર્ડમાં જ ખૂબ સારા ભાવ મળ્યા હતા. તેના કારણે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી ન હતી. જેનાથી આ વર્ષે નાફેડ પાસે મગફળીનો સ્ટોક નથી. એટલું જ નહીં મિલરો અને વેપારીઓનો મત છે કે હાલ ભાવ ઘટે તેવા કોઈ સંકેત નથી. વેપારીઓના મતે મગફળીનો ઉપયોગ ખારી સિંગ તેમ જ ફરસાણ બનાવતી કંપનીઓમાં વધી રહ્યો હોવાથી પુરવઠામાં પણ અછત વર્તાઈ છે અને સીધી અસર ભાવ પર પડી રહી છે. મગફળીના ઊંચા ભાવ છતાં ઓઇલ મિલરોને માલની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.