રાજકોટ જિલ્લામાં નાફેડ તરફથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીની ચોરીથી ખળભળાટ મચી ગયો હતો. જેતપુર તાલુકાના જેતલસર ગામ નજીક સેન્ટ્રલ વેરહાઉસિંગ કોર્પોરેશન તરફથી ગિરીરાજ વેર હાઉસ ભાડે રખાયું હતું. જેમાં નાફેડે ખરીદેલી 57 હજાર 600 ગુણી મગફળીનો જથ્થો રખાયો હતો. 5 ડિસેમ્બર 2024થી 16 ડિસેમ્બર 2024 દરમિયાન ગિરીરાજ વેરહાઉસમાં રહેલી મગફળીની ગુણી પૈકી 1 હજાર 212 ગુણી મગફળીની ચોરી થઈ હતી. 31 લાખ 64 હજાર 956 રૂપિયાની મગફળીની ગુણીની ચોરી થતા હડકંપ મચી ગયો હતો. આ વેરહાઉસની દેખરેખનો કોન્ટ્રાકટ અમદાવાદની શ્રીરામ એન્ટપ્રાઈઝ નામની એજન્સીને સોંપાયો હતો.
જેતપુરના ગોડાઉનમાંથી મગફળીની ચોરી અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે. ચોરી બાબત અંગે અમારા વિભાગને કોઈ લેવાદેવા નથી. ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહે છે. ખરીદી કરતી એજન્સી અને નાફેડ વચ્ચેની આ બાબત છે.
મગફળીની ચોરી થતા સેન્ટ્રલ વેર હાઉસિંગ કોર્પોરેશનના ટેકનિકલ આસીટન્ટ અને વેર હાઉસ મેનેજર અમિતકુમાર ગીલ્લાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નાફેડે ખરીદેલી મગફળી જે ગોડાઉનમાં રાખી છે ત્યાં દર છ મહિને ફિઝીકલ વેરિફિકેશન કરવામાં આવે છે. ડિસેમ્બર 2024માં ફિઝિકલ વેરિફિકેશન બાદ જૂનમાં ફરી વેરિફિકેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન 26 જૂન 2025ના અમિતકુમાર ગીલ્લાની ટ્રાન્સફર કરવામાં આવી અને તેના સ્થાને સંદિપકુમાર શ્રીપૂર્ણરામ કડવાસરાને મૂકાયા હતાં. જેને ચાર્જ સોંપતી વખતે બંને અધિકારીએ ફિઝીકલ વેરિફિકેશન હાથ ધરાતા 1 હજાર 212 બોરીની ચોરી થયાનું સામે આવ્યું. પોલીસે હાલ ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જોકે સૌથી મોટો સવાલ એ છે કે ખરેખર મગફળીની ચોરી થઈ છે કે પછી કૌભાંડ થયું છે. કેમ ગોડાઉનમાં સીસીટીવી કેમેરા ન હતા. જો સીસીટીવી કેમેરાનો અભાવ હતો તો કેમ વેર હાઉસને ભાડે રાખવામાં આવ્યું. સિક્યોરિટી ગાર્ડ હોવા છતા પણ કેમ મગફળી ચોરાઈ તે પણ સવાલ છે. નોંધનીય છે કે અગાઉ પણ ટેકાના ભાવે ખરીદીમાં ખેલ થયાના આરોપ લાગી ચૂક્યા છે.
રાજ્યમાં ખરીફની પીક સીઝનમાં યુરિયા ખાતરની સંગ્રહાખોરી, કાળાબજારી રોકવા ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે. ત્યારે વધુ ચાર ખાતરના ડીલરોને ખરીદ- વેચાણની કાર્યવાહીમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરાયા હતા. આ ડીલરોમાં સુરેન્દ્રનગરના હળવદ તાલુકાના ભવાની ફાઉન્ડેશન, સાયલા તાલુકાની ધરતી સેવા મંડળ, રાજકોટના ગોંડલ તાલુકાની ઘનશ્યામ ફર્ટિલાઈઝર અને સાબરકાંઠાના વડાલી તાલુકાના મહેતા ઓટોમોબાઈલનો સમાવેશ થાય છે.