Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. સૌરાષ્ટ્રમાં યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનની અસર તમામ વાઇન શોપ પર જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 29મી નવેમ્બરે સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી વાઈનશોપ બંધ રહેશે. હેલ્થ પરમીટ ધારકો માટે ચાલુ માસનો જમા કવોટો મંગળવાર સાંજ સુધીમાં લઈ લેવો પડશે.


અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના મત રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વના છે. જેમાં અમદાવાદમાં બીજા તબક્કામાં યોજાનારા મતદાનની સાથે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારો સાથે જોડાયેલા મતદારોના મત મળે તે માટે વિવિધ રાજકીય પાર્ટીઓએ વિશેષ ટીમ બનાવીને હીરાના કારખાને જઇને તેમને વધુમાં વધુ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ફાયદો મળે તેવા વચનો આપવાના શરૂ કર્યા છે. અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને તેમના પરિવારના લાખો મત રાજકીય પાર્ટીઓ માટે મહત્વના છે. જેથી વિવિધ રાજકીય પાર્ટીઓએ હીરાના કારખાનાઓમાં જઇને રત્ન કલાકારોને રીઝવવાનું શરૂ કર્યું છે. જેમાં ભાજપના નેતાઓએ  રત્ન કલાકારોના બાળકોને મફત શિક્ષણ, વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ મકાન બનાવવા કે ધંધો કરવા માટે લોન અપાવવાની પણ ખાતરી આપી છે. સાથે સાથે હાલ હીરા ઉદ્યોગમાં વિવિધ કામગીરીમાં મળતો વળતરનો દર ઓછો હોવાને કારણે તેનો વધારો કરી આપવાની પણ ખાતરી આપી હતી.  તો આમ આદમી પાર્ટી તેમના ગેંરટી કાર્ડ આપી રહી છે. જેમાં બાળકોને મફત શિક્ષણ, મેડીકલની સાથે વીજળી મફત આપવા ઉપરાંત, ગુજરાતના લાખો રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ કરવા માટેના વચન આપે છે. જો કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હજુ રત્ન કલાકારો સુધી ખાસ પહોંચ્યા નથી.સૌથી નવાઇની વાત એ છે કે રત્ન કલાકારોના મત મેળવવા માટે હીરાના કારખાનાના સંચાલકોને એક રાજકીય પાર્ટીએ કેટલીક ડીલ પણ કરી છે. જેમાં   કારખાનાના મેનેજરને બાઇક કે અન્ય ચીજવસ્તુઓ પણ ઓફર કરી છે.


ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે 5 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં મતદાન યોજાનાર છે.આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.આ દિવસે આવશ્યક સેવા ચાલુ રખાશે.આવશ્યક સેવાઓ સાથે ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન કરવા જવા દેવામા આવશે.