Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખ જાહેર થતાં જ રાજ્યમાં ચૂંટણી માહોલ જામવા લાગ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આજે પીએમ મોદી, એઆઈએમઆઈએમના ઔવેલી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક ગુજરાતમાં છે.
કેજરીવાલ ક્યાં કરશે રોડ શો
આજે રાજકોટમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો છે. સાંજે પાંચ વાગ્યે શહેરના કોઠારીયા ચોકડીથી નિલકંઠ સિનેમા સુધી રોડ શો યોજી શક્તિ પ્રદર્શન કરાશે. કેજરીવાલનો રોડ શો ત્રણ વિધાનસભા બેઠકની બોર્ડર પર છે. જેમાં રાજકોટ ગ્રામ્ય,દક્ષિણ અને પૂર્વ બેઠકનો સમાવેશ થાય છે. આ ત્રણમાંથી બે બેઠકોમાં ઉમેદવાર આપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કેજરીવાલ રોડ શો કરશે તે આખો વિસ્તાર મધ્યમવર્ગીય છે.
વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ વડાપ્રધાન પ્રથમ વાર આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર અને વલસાડનો પ્રવાસ કરશે. જેમાં બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢામાં મોટી જનસભાને સંબોધન કરશે.
વડાપ્રધાન મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી જે રૂટ પરથી પસાર થવાના છે તે તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હેલિપેડથી સભા સ્થળના રૂટ પર પોલીસે રિહર્સલ કર્યુ હતું. તેમના પ્રવાસને લઈને પાંચ એસપી કક્ષાના પોલીસ અધિકારી, 13 ડિવાયએસરી, 26 પોલીસ ઈન્સ્પેક્ટર, 130 પોલીસ સબ ઈન્સપેક્ટર અને એક હજારથી પોલીસ જવાનો તૈનાત રહેશે.
વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ પ્રદેશ ભાજપે આયોજીત કર્યો છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારો કામે લાગી ગયા છે. આ ઉપરાંત મંત્રીઓ પણ સ્થળ પર હાજર રહીને કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.. એટલુ જ નહી, ધરમપુર અને કપરાડામાં વર્ષ 1977 દરમિયાન સંઘના સ્વયં સેવક તરીકે કામ કર્યુ હતુ. જેની સાથે વડાપ્રધાન મોદીએ કામ કર્યુ છે તેવા 37 વ્યક્તિઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વલસાડની જનસભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ભાવનગર પહોંચશે. જ્યાં ભાવનગરમાં આયોજીત સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં હાજરી આપશે.