Rajkot: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈ ચૂંટણી પ્રચાર પૂર્ણ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા રાજકોટથી ભાજપ માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયન જીવાણી ભાજપમાં જોડાતા કાર્યકરોની નારાજગી સામે આવી છે. ભાયાવદર ભાજપ કાર્યાલયે તાળા લાગ્યા છે. નયન જીવાણી ભાજપમાં જોડાતા સ્થાનિકો તેમજ કાર્યકરોમાં નારાજગીની લોક મુખે ચર્ચા થઈ રહી છે. લોકોના જણાવ્યા મુજબ નયન જીવાણી અને તેના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાતા ભાજપના કાર્યકર્તાઓની મીટીંગ શરૂ થઈ ગઈ છે.
કોણ-કોણે છે ઉમેદવાર
ભાજપે ધોરાજી ઉપલેટાથી ડો.મહેન્દ્રભાઈ પાડલીયાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે લલિત વસોયા અને આમ આદમી પાર્ટીએ વિપુલ સખીયાને ટિકિટ આપી છે.
સૌરાષ્ટ્રની તમામ વાઈનશોપ પર પડશે ચૂંટણીની અસર
સૌરાષ્ટ્રમાં યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનની અસર તમામ વાઇન શોપ પર જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 29મી નવેમ્બરે સાંજે 5 વાગ્યાથી 1 ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યા સુધી વાઈનશોપ બંધ રહેશે. હેલ્થ પરમીટ ધારકો માટે ચાલુ માસનો જમા કવોટો મંગળવાર સાંજ સુધીમાં લઈ લેવો પડશે.
ગુજરાતમાં ક્યારે મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બે તબક્કામાં મતદાન યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 5 ડિસમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. મત ગણતરી 8 ડિસેમ્બરે થશે.
અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારોના મત રાજકીય પાર્ટીઓ માટે સૌથી મહત્વના છે. જેમાં અમદાવાદમાં બીજા તબક્કામાં યોજાનારા મતદાનની સાથે પ્રથમ તબક્કા માટે સૌરાષ્ટ્રમાં રત્ન કલાકારો સાથે જોડાયેલા મતદારોના મત મળે તે માટે વિવિધ રાજકીય પાર્ટીઓએ વિશેષ ટીમ બનાવીને હીરાના કારખાને જઇને તેમને વધુમાં વધુ શૈક્ષણિક, સામાજીક અને રાજકીય ફાયદો મળે તેવા વચનો આપવાના શરૂ કર્યા છે. અમદાવાદ પૂર્વમાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્ન કલાકારો અને તેમના પરિવારના લાખો મત રાજકીય પાર્ટીઓ માટે મહત્વના છે. જેથી વિવિધ રાજકીય પાર્ટીઓએ હીરાના કારખાનાઓમાં જઇને રત્ન કલાકારોને રીઝવવાનું શરૂ કર્યું છે. જેમાં ભાજપના નેતાઓએ રત્ન કલાકારોના બાળકોને મફત શિક્ષણ, વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ મકાન બનાવવા કે ધંધો કરવા માટે લોન અપાવવાની પણ ખાતરી આપી છે. સાથે સાથે હાલ હીરા ઉદ્યોગમાં વિવિધ કામગીરીમાં મળતો વળતરનો દર ઓછો હોવાને કારણે તેનો વધારો કરી આપવાની પણ ખાતરી આપી હતી. તો આમ આદમી પાર્ટી તેમના ગેંરટી કાર્ડ આપી રહી છે. જેમાં બાળકોને મફત શિક્ષણ, મેડીકલની સાથે વીજળી મફત આપવા ઉપરાંત, ગુજરાતના લાખો રત્ન કલાકારોના પડતર પ્રશ્નો હલ કરવા માટેના વચન આપે છે. જો કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો હજુ રત્ન કલાકારો સુધી ખાસ પહોંચ્યા નથી.સૌથી નવાઇની વાત એ છે કે રત્ન કલાકારોના મત મેળવવા માટે હીરાના કારખાનાના સંચાલકોને એક રાજકીય પાર્ટીએ કેટલીક ડીલ પણ કરી છે. જેમાં કારખાનાના મેનેજરને બાઇક કે અન્ય ચીજવસ્તુઓ પણ ઓફર કરી છે.