રાજકોટઃ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ભાજપ અધ્યક્ષ બન્યા પછી સી.આર. પાટીલે ગુજરાતનો પ્રવાસ શરૂ કર્યો છે. તેમણે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવના દર્શન કરીને પ્રવાસની શરૂઆત કરી છે. ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમણે ભાજપના નેતાઓને ટિકિટ મુદ્દે સીધી ચેતવણી આપી છે.


રાજકોટમાં કાર્યકરોને સંબોધતા પાટીલે જણાવ્યું હતું કે, તમને એવું થાય, અમારા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી છે, અમને તરત કહી દેશે કે લઈ જાવ. એટલે અમારો બુથ માઇનસ હશે, તો પણ ટિકિટ મળી જશે. તો એવા ભ્રમમાં રહેતા નહીં. રૂપાણી સાહેબે જ મને એવું કહ્યું છે કે, બુથ માઇનસ હોય, તેમને ટિકિટ આપવાની જ નહીં. હવે કાલે તમે બુથમાં છેલ્લા ચાર ઇલેક્શનમાં કેટલા મત મળેલા એ પણ ચેક કરી લેજો અને તો જ ટિકિટની તૈયારી કરજો. નઈ તો ખોટી મહેનત કરતા નહીં. હવે આ સિસ્ટમ કરીએ તો તમને કોઈને વાંધો છે? હોય તો પણ કશો ફરક નથી પડતો. તમારો વાંધો ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. ચાલશે ને? કેટલા ઉમેદવાર ઓછા થઇ જાય એ કાલે જરા ચેક કરી લેજો.

ભાજપનાં ટિકિટ વાંચ્છુઓને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સીધી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, હું જ સક્ષમ છું, મને ટિકિટ આપો એવો ભ્રમ રાખવો નહીં. આવો ભ્રમ રાખશો તો દુઃખી થશો. ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની સોમનાથ, જુનાગઢ બાદ રાજકોટમાં પણ કાર્યકર્તાઓને જૂથબંધીમાં ન પડવા કહ્યું હતું.

પાટીલે ચેતવણી આપતા કહ્યું હતું કે, કોઈ નેતા તમને એવું કહે આને ટિકિટ મળી છે અને તેને પાડી દેવાનો છે, તો એમનું સાંભળવું નહીં.