રાજકોટઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી દૈનિક કેસો હજારથી વધુ આવી રહ્યા છે, ત્યારે હવે સૌરાષ્ટ્રમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોનાની સૌથી વધુ વિકટ સ્થિતિ રાજકોટની છે. રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો 1607 થઈ ગયા છે.


રાજકોટ પછી સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ જામનગરની છે. જામનગરમાં કોરોનાના એક્ટિવ કેસો 607 થઈ ગયા છે. જામનગરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 1047 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે કુલ 24 લોકોના કોરોનાથી મોત થયા છે.

સૌરાષ્ટ્રમાં અન્ય જિલ્લાઓની સ્થિતિ જોઇએ તો અમરેલીમાં 346, ભાવનગરમાં 376, બોટાદ 97, દેવભૂમિ દ્વારકામાં 69, ગીર સોમનાથમાં 125, મોરબીમાં 244, પોરબંદરમાં 48, અને સુરેન્દ્રનગરમાં 326 એક્ટિવ કેસો છે. આમ, સૌરાષ્ટ્રમાં પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો 50થી વધુ છે.

એક સમયે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસૌ સૌથી ઓછા હતા. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની ગ્રીન, રેડ અને ઓરેન્જ ઝોનની પહેલી યાદીમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા ગ્રીન ઝોનમાં હતા. આ જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી, પોરબંદર, મોરબી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા એક સમયે ગ્રીન ઝોન હતા. આ જિલ્લાઓમાં પણ હાલ, સ્થિતિ બગડી રહી છે.