રાજકોટઃ શહેર (Rajkot)માં કોરોના(Corona)એ કહેર મચાવ્યો છે, ત્યારે છેલ્લી ઘડીએ નવનિયુક્ત ભાજપ યુવા પ્રમુખ (BJP youth President)ના ક્રાયક્રમો રદ કરી દેવામાં આવ્યા છે. કોરોના કહેર બાદ આખરે હવે નેતાઓ સમજ્યા છે. પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ (Prashant Korat)નો કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. 


આજે સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રેલી સહિત અનેક કાર્યક્રમો રાજકોટ જિલ્લામાં યોજવાના હતા. એક બાજુ શહેર અને જિલ્લામાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જેને લઈને યુવાન ભાજપ પ્રમુખને હોમ ટાઉનમાં આવકારવાના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 


જરાતમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Cases) બેકાબૂ બની ગયું છે. રોજ રોજ કેસના નવા રેકોર્ડ બની રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની સ્થિતિ ચિંતાજનક છે.  અમદાવાદ બાદ રાજકોટમાં પણ કોરોનાનો (Rajkot Corona Cases) ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.


 


કેટલા બાળકો રોજ આવી રહ્યા છે ઝપેટમાં


 


શેહરમાં બાળકો પણ હવે કોરોનાની ઝપેટમાં આવવા લાગ્યા છે. છેલ્લા 15 દિવસથી શહેરમાં રોજના 30 જેટલા બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ (Corona Positive) આવી રહ્યા છે. સિવિલમાં 16 અને વોકહાર્ટમાં 4 બાળકો કોરોનાની સારવારમાં છે. માત્ર બે દિવસના નવજાત બાળકનો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે એક મહિલાના માત્ર 7 દિવસના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં અંદાજે 500 બાળકોનો કોરોનો પોઝિટિવ આવ્યોછે.


 


60 ટકા 5 વર્ષથી નાની વયના


 


ડોક્ટરના કહેવા મુજબ, રોજના આશરે 30 કેસમાંથી 60 ટકા 5 વર્ષથી નીચેની ઉંમરના હોય છે.  બાળકોમાં રોગની તીવ્રતા ઓછી હોવાથી તેમને જરૂરી દવા-ઈન્જેક્શન આપીને હોમ આઇસોલેટ (Home Isolate) રાખવામાં આવે છે.  નાના બાળકોને કોરોના હોવા છતાં તેની સંભાળ પરિવારજનોએ જ રાખવી પડે છે. જેના કારણે તેમને પણ કોરોના થવાનો ખતરો રહે છે.


 


રાજકોટમાં શું છે કોરોનાની સ્થિતિ


 


રાજકોટ શહેરમાં મંગળવારે 321 અને ગ્રામ્ય વિસ્તારમાં 64 સહિત કુલ 385 કેસ નોંધાયા હતા. જે અત્યાર સુધીમાં આવેલા કેસ કરતા ઘણા વધારે છે અને નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર છ જ દિવસમાં કોરોનાના કેસમાં 6 ટકાનો વધારો નોંધાયો છે અને દરરોજ 1 ટકાના દરે દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલની સ્થિતિએ કુલ કેસની સંખ્યા 28468 થઈ છે. જેમાંથી એક્ટિવ કેસ 1927 છે.


 


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


 


રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોનાના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા 3280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.