રાજકોટઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં યોજાનારી 8 વિધાનસભાની પેટાચૂંટણી માટે ગઈ કાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે સુરેન્દ્રનગરની લીંબડી બેઠક પર છેલ્લા દિવસે પાંચ જ કલાકમાં 27 ફોર્મ આવતા આ બેઠકો પર કુલ 32 ઉમેદવારી થઈ ગઈ છે. ફોર્મ ભરવાના છેલ્લા દિવસે લીંબડી બેઠક પર જાહેર થયેલા કોંગ્રેસના ચેતન ખાચરે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ભાજપમાંથી કિરીટસિંહ રાણાને ટિકિટ આપવામાં આવી છે. જોકે, આ બેઠક પર કોંગ્રેસના નારાજ દાવેદાર અને પૂર્વ સાંસદ-પૂર્વ ધારાસભ્ય સવશીભાઈ મકવાના પૌત્ર ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.


ગોપાલ મકવાણાએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મને અને કોળી સમાજને અન્યાય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંનેને મારી ઉમેદવારીથી નુકશાન જશે. મારે મારા ફઈ કલ્પનાબેન સાથે બોલવાનો પણ સંબંધ નથી. કોંગ્રેસ કે ભાજપ કોઈએ કોળી સમાજને ટીકીટ ન આપી માટે મેં ઉમેદવારી કરી છે. તમામ સમાજના લોકો મારી સાથે છે અને હું જીતીશ. ભાજપ-કોંગ્રેસે એક ઉમેદવાર અને એક ડમી સહીત 4 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જ્યારે 23 લોકોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. અપક્ષ ઉમેદવારમા ગોપાલ મકવાણા ગેમ ચેંજર બની શકે છે.



લીંબડી વિધાનસભા બેઠક પર કુલ 2,62,088 મતદારો માંથી 85,601 મતદારો કોળી સમાજનાં છે. જ્યારે ગઢડામાં છેલ્લા દિવસે વધુ પાંચ ફોર્મ ભરાતા અનુસૂચિત જાતિ માટે અનામત રહેલી આ બેઠક ઉપર અત્યાર સુધીમા કુલ ૧૬ની ઉમેદવારી થઈ છે.

મોરબી વિધાનસભા બેઠકમાં પણ શુક્રવારે ૮ ફોર્મ ભરાતા કુલ ૨૨ની ઉમેદવારી થઈ છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે આપેલી માહિતી પ્રમાણે ગુરૂવારે સાંજેની સ્થિતિએ આઠેય બેઠકો ઉપર કુલ ૭૧ ઉમેદવારો નોંધાયા હતા. જે શુક્રવારે છેલ્લા દિવસે આ સંખ્યા વધીને ૧૨૦ આસપાસ થઈ છે. જો કે, તેની સત્તાવાર જાહેરાત આજે કરાશે.



ગઈ કાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. હવે ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાનો તબક્કો શરૂ થયો છે. આ દરમિયાન હવે કેટલા અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે છે, તે પછી કોની કોની વચ્ચે જંગ જામશે તે નક્કી થશે.