રાજકોટ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓની સાથે સાથે વિવિધ સમાજના આગેવાનો પણ સક્રીય થયા છે. ઘણા રાજકીય આગેવાનો પોતાના સમાજના લોકોનું સંમેલન કરી રહ્યા છે. જો કે ચૂંટણી પહેલા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ અંગે વિગતે વાત કરીએ તો, રાજકોટમાં ચુવાડિયા કોળી સમાજનું સંમેલન યોજાયું છે. વેલનાથ સેનાના બેનર હેઠળ દેવજી ફતેપરા દ્રારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, સંમેલન પહેલા જ ચુવાડિયા કોળી સમાજમાં બે ફાંટા પડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દેવજી ફતેપરાના સંમેલનની સાથે સાથે રાજકોટના હેમુ ગઢવી હોલમાં ચુવાડિયા કોળી સમાજનું બીજુ સંમેલન યોજાયું હતું. ગુજરાત ચુવાડિયા કોળી સમાજના પ્રમુખ ધર્મેશ જિંજુવાડીએ પણ હેમુગઢવી હોલમાં સંમેલન બોલાવ્યું હતું. જેને લઈને રાજકારણ ગરમાયું છે.
તો બીજી તરફ હેમુ ગઢવી હોલમાં યોજાયેલા આ સંમેલન અંગે દેવજી ફતેપરાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તે સંમેલન કોંગ્રેસ પ્રેરિત છે. ચુવાડિયા કોળી સમાજના જ બે સંમેલનને કારણે સમાજમાં બે ફાંટા પડ્યા છે. દેવજી ફતેપરાએ કહ્યું કે, મારા સંમેલનમાં માત્ર ભાજપ પ્રેરિત ચુવાડિયા કોળી સમાજને જ આમંત્રણ અપાયુ છે.
જો કે, હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા સંમેલન અંગે ગુજરાત ચુવાડીયા કોળી સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર જીંજુવાડિયાએ કહ્યું કે, આ માત્ર સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અમારો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ નથી. દેવજી ભાઈનો કાર્યક્રમ રાજકીય કાર્યક્રમ છે. દેવજી ભાઈ આમારા વડીલ છે. દેવજી ભાઈનો કાર્યક્રમ અને અમારો કાર્યક્રમ સંજોગોવશાત ભેગો થયો છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આવતીકાલે આવશે ગુજરાત
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ હજી જાહેર થઈ નથી પરંતુ રાજકીય પાર્ટીઓએ આગામી ચૂંટણીને લઈને કમર કસવાનું શરૂ કરી દીધુ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ મિશન 2022 માટે રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજો કાલે અમદાવાદ આવી રહ્યા છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના સિનિયર ઓબઝર્વર અશોક ગેહલોત અમદાવાદ આવી રહ્યા છે. આ ઉપરાંત ઓબઝર્વર ટી કે સિંહ અને મિલિંદ દેવરા પણ અમદાવાદ આવશે.
નોંધનિય છે કે, રાષ્ટ્રીય કોંગ્રેસે ગુજરાતની લોકસભા દીઠ નિરીક્ષકો નીમ્યા છે. 26 લોકસભાના તમામ 37 નિરીક્ષકો પણ કાલે સાંજે અમદાવાદ આવશે. બુધવારે તમામ લોકોની પ્રદેશ કોંગ્રેસ ખાતે મેરેથોન બેઠક મળશે. બેઠકમાં ગુજરાતના પ્રભારી, પ્રમુખ અને વિપક્ષના નેતા પણ હાજર રહેશે. ગુજરાત કોંગ્રેસના 10 જેટલા સિનિયર લીડર્સ પણ આ બેઠકમાં હાજર રહેશે. કોંગ્રેસના આગામી કાર્યક્રમો અને ચૂંટણી અંગે આ બેઠકમાં ચર્ચા થશે.