રાજકોટઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામમંદિરના નિર્માણ માટે હાલમાં દાન ઉઘરાવાઈ રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામમંદિર માટે 5 લાખ રૂપિયા દાન આપ્યું છે. રામમંદિર નિધિ સમર્પણ અભિયાનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત રાજકોટ ના 50 શ્રેષ્ઠીઓએ દાનની જાહેરાત કરી હતી.

રાજકોટમાં માત્ર 30 મિનિટમાં જ રામમંદિર નિર્માણ માટે રૂપિયા 1.88 કરોડનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાનના સમારોહ દરમિયાન આ જંગી દાન એકત્ર કરાયું હતું.

રામમંદિર માટે દાન આપનારા શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે રામમંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે ત્યારે તેમના ભવ્ય મંદિરના નિર્માણ માટે યથાયોગ્ય ફાળો આપવો જોઈએ.

વિશ્વ હિન્દુ પરિષદે સમગ્ર દેશમાં 15 જાન્યુઆરીથી સમર્પણ નિધિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દ્વારા અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટેની રકમ એકત્ર કરાઈ રહી છે. અયોધ્યામાં ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ માટે શરૂ કરાયેલા સમર્પણ નિધિ અભિયાનમાં સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ VHPને રૂપિયા 5,00,100નો ચેક આપી સહયોગ આપ્યો હતો.