રાજકોટ: રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરમાં બે દિવસ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરાજીમાં 2 દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવશે. ધોરાજીના તમામ ધંધા રોજગાર શનિવાર અને રવિવાર એમ બે દિવસ બંધ રહેશે.
મેડિકલ સ્ટોર અને દૂધની ડેરી જેવી આવશ્યક સેવા સિવાયના તમામ ધંધા બંધ રહેશે. લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જેવી કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા લોકોને વિનંતી કરવામાં આવી છે.
ધોરાજીમાં કોરોના નું સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે ત્યારે તેને અંકુશમાં લાવવા માટે તાત્કાલિક અસરથી સ્વયંભૂ ધોરાજીના તમામ ધંધા-રોજગાર બે દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ધોરાજીના ૩૦ જેટલા વિવિધ એસોસિયેશનના પ્રમુખ તેમજ હોદ્દેદારો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જે અંગે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટર અને પોલીસને આ બાબતે જાણ કરવામાં આવી છે અને તમામ વેપારીઓ લારી ગલ્લા વાળાઓ પણ કોરોના મહામારીને સમયને ધ્યાનમાં રાખી બે દિવસ સંપૂર્ણપણે ધંધા રોજગાર બંધ રાખે તે બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ વિનંતી કરી હતી.
નોંધનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે છેલ્લા 24 કલાકમાં નવા રેકોર્ડ બ્રેક ચાર હજાર 21 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તો કોરોનાની સારવાર દરમિયાન 35 લોકોના મૃત્યુ નિપજ્યા છે. છેલ્લા આઠ દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં 62 ટકાના વધારા સાથે 20 હજાર 473 પર પહોંચી ગયો છે. જેમાંથી 182 લોકો વેન્ટિલેટર પર અને 20291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.44 ટકા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 167 નવા કેસ નોંધાય રહ્યાં છે. 35 દર્દીઓના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક પણ ચાર હજાર 655 પર પહોંચી ગયો છે. ગઈકાલે 2197 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,07346 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 14, અમદાવાદ કોર્પોરેશનમાં 8, રાજકોટમાં-2, રાજકોટ કોર્પોરેશન-2, વડોદરા કોર્પોરેશ-2, અમદાવાદ, અમેરલી, ભરૂચ,ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરામાં 1-1 દર્દીના મોત સાથે કુલ 35 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ મૃત્યુઆંક વધીને 4655 પર પહોંચી ગયો છે.