રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ પક્ષો પ્રચારમાં લાગ્યા છે. ભાજપ અને કોગ્રેસના અનેક નેતાઓ ટિકીટ ન મળવાના કારણે પક્ષપલટો કરી રહ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજકોટ જિલ્લાના કોગ્રેસના પૂર્વ પ્રમુખ દિનેશ ચોવટીયા ભાજપમા જોડાયા હતા.


પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે દિનેશ ચોવટીયાને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું. દિનેશ ચોવટીયા ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી છે. ગત ચૂંટણીમાં તેમણે કૉંગ્રેસની ટિકિટ પર રાજકોટ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે, ભાજપના ઉમેદવાર ગોવિંદ પટેલ સામે તેઓની હાર થઈ હતી.


દીનુમામાએ ભાજપને આપ્યો વધુ એક ઝટકો


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  પાદરા વિધાનસભાના અપક્ષ ઉમેદવાર દિનુમામાએ ભાજપમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે તેમના રાજીનામાં બાદ ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે. પાદરા તાલુકા પંચાયતના ભાજપમાં ચૂંટાયેલા 16 સભ્યોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામાં આપી દીધા છે.


દિનુમામાના સમર્થનમાં આપ્યા રાજીનામાં


ભાજપમાંથી દિનુમામા બાદ પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તથા ઉપપ્રમુખ ઉષાબેન ચૌહાણ તથા કારોબારી ચેરમેન હરેશ પટેલ સહિત ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન પરમાર સહિત દંડક પ્રદીપભાઈ જાદવ સહિત કુલ 15 સભ્યો ભાજપના અને 1 અપક્ષના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદશ્ય સહિત કુલ 16 ચૂંટાયેલા સદશ્યોએ રાજીનામા આપી દેતા રાજકારણ ગરમાયું છે. ભાજપે મામાની ટિકિટ કાપતા નારાજ તાલુકા પંચાયતના સદશ્યએ રાજીનામાં આપી દીધા છે. હજુ પણ અનેક હોદેદારો દિનુમામાના સમર્થનમાં રાજીનામાં આપી શકે છે.




 



 ‘બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી’, નીતિન પટેલ


મહેસાણાઃ મહેસાણામાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં ચૂંટણી સભા યોજવામાં આવી હતી. આ ચૂંટણી સભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યુ હતું કે બધી જ પનોતી મારા પર આવી અને જતી પણ રહી. હવે સડસડાટ આગળ વધશે વિકાસ યાત્રા...'મહેસાણા ભાજપના ઉમેદવાર મુકેશ પટેલના સમર્થનમાં યોજાયેલી સભામાં નીતિન પટેલ પહોંચ્યા હતા. સભામાં નીતિન પટેલે દાવો કર્યો હતો કે મે જ મુકેશ પટેલની પસંદગી કરી છે. બીજી ચાર-પાંચ બેઠકો પર મારી જ પસંદગીના ઉમેદવાર મુકવામાં આવ્યા છે.