Gujarat Election 2022: રાજકોટ જિલ્લાની સૌથી રસપ્રદ ગોંડલ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં દાવેદારો પહોંચ્યા હતા. ભાજપનો ગઢ ગણાતી ગોંડલ બેઠક પર 2 ક્ષત્રિય આગેવાનો સામસામે આવી ચૂક્યા છે. જયરાજસિંહ જાડેજા જૂથ અને રીબડા જૂથ છે સામસામે છે. રીબડા જૂથ તરફથી રાજદીપ સિંહ જાડેજા, સહદેવ સિંહ જાડેજા, શશીકાંત રૈયાણી અને શ્વેતા પટેલએ દાવેદારી કરી છે. ગોંડલના સહકારી આગેવાન જયંતી ઢોલ રીબડા જૂથના સમર્થનમાં પહોંચ્યા હતા.


આ અવસરે જ્યંતી ઢોલએ કહ્યું, હું 40 વર્ષથી ભાજપમાં છું. પાર્ટી જેમને ટીકિટ આપશે તેમનું હું સમર્થન કરીશ. જયરાજસિંહ જૂથ તરફથી જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા અને વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતા બા જાડેજા વર્તમાન ધારાસભ્ય છે. મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જ્યોતિરાદિત્યસિંહ સેન્સ આપવા માટે પહોંચ્યા હતા. ગોંડલ બેઠક પર મસગ્ર સૌરાષ્ટ્રના રાજકારણની નજર રહેલી છે. હાલમાં આ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે.


 



આ બેઠક પર ભાજપના 48 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી


વિધાનસભાની ચૂંટણી હવે આવી ગઈ છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો શોધવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં આજે બીજા દિવસે પણ ઉમેદવારોની પસંગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે ગઈ કાલે અબડાસા,માંડવી મુંદ્રા અને ગાંધીધામ આમ ત્રણ બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મુરતિયાઓએ દાવેદારી નોંધાવી હતી. જ્યારે આજે બીજા દિવસે ભુજ બેઠક, અંજાર બેઠક અને રાપર બેઠક ઉપર સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી


જેમાં સવારે ૧૦ વાગ્યાથી અંજાર બેઠક ઉપર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અંજાર બેઠક પર દિગ્ગજોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક ઉપર પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહીર, અમુલના વાઇસ ચેરમેન વલમજી હુંબલ, ઉદ્યોગપતિ બાબુ હુંબલ તેમજ સામાજિક આગેવાન મહેશ સોરઠીયા પ્રબળ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. અંજાર બેઠક પર આહીર સમુદાયનું પ્રભુત્વ વધારે રહેલુ છે. બપોર બાદ ભુજ અને રાપર બેઠકના સેન્સ લેવામાં આવશે. 


વિરમગામ બેઠક માટે 48 લોકોએ ટિકિટની માગણી કરી 


ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીના ઉમેદવારો પસંદ કરવા ભારતીય જનતા પક્ષ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ગ્રામ્યની વિરમગામ વિધાનસભા બેઠક માટે હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન કુલ 48 લોકોએ ટિકિટની માગણી કરી હતી. ભાજપના જુના જોગીઓથી માંડીને નવા ચેહરાઓએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.. પાલિકા ઉપપ્રમુખ, ફિલ્મ પ્રોડ્યુસર, પૂર્વ ધારાસભ્યો, પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા પાટીદાર યુવાઓએ અને ભાજપના સંગઠનમાં કામ કરનારા હોદ્દેદારોએ પણ ટિકિટ માંગી છે.


વિરમગામ બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી


વિરમગામ બેઠક માટે આજે જેતલપુર એપીએમસીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  જુના જોગીઓની વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલે પણ આગામી ચૂંટણી લડવા માટે નિરીક્ષકો સમક્ષ ઈચ્છા વ્યક્ત કરી છે.  આ ઉપરાંત પૂર્વ ધારાસભ્ય અને 2017માં 6 હજાર મતોથી કોંગ્રેસના ઉમેદવાર સામે હારેલા તેજશ્રી પટેલે પણ ફરી ટિકિટ માંગી છે.  પાટીદાર અનામત આંદોલનના ચેહરા રહેલા વરુણ પટેલ અને ચિરાગ પટેલે પણ વિરમગામ બેઠક પર દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત હાર્દિક પટેલ માટે તેમના સમર્થકો દ્વારા ટિકિટ માગવામાં આવી છે.


વિરમગામ નગરપાલિકાના ઉપપ્રમુખ દીપા ઠક્કર દ્વારા પણ દાવેદરી કરવામાં આવી છે.  તેમનું માનવું છે કે, મહિલાઓનું સન્માન ભાજપ કરે છે ત્યારે આગામી ચૂંટણીમાં મહિલા તરીકે પોતાને ટિકિટ મળે તેવી લાગણી છે. વિશ્વહિન્દુ પરિષદના સાંસ્કૃતિક સેલના રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર દિવ્યા પટેલ દ્વારા પણ વિરમગામ બેઠક પર ચૂંટણી લડવા માગણી કરવામાં આવી છે.