Rajkot Tragedy: રાજકોટ અગ્નિ કાંડ બાદ હવે એક પછી એક નેતા મીડિયા સમક્ષ આવી રહ્યાં છે, કેટલાક નેતાઓના નામે સામેલ હોવાની વાત સામે આવતા જ નેતાઓ પોતાનો ખુલાસો કરી રહ્યાં છે. આજે ભાજપ નેતા અને મંત્રી ભાનુબેન બાબરિયાએ પણ મીડિયા સમક્ષ રાજકોટ અગ્નિકાંડ વિશે ખુલાસો કર્યો છે, તેમને કહેવું છે કે, જો મારુ નામ સામેલ હશે તો હું જાહેર જીવન છોડી દઇશ. તો વળી, કોંગ્રેસ અગ્નિકાંડ મામલે સરકારને ઘેરી રહી છે અને સવાલોના જવાબ માંગી રહી છે. 


રાજકોટમાં ટીઆરપી ગેમ ઝૉનમાં સત્તાવાર રીતે 27 લોકોના મોત થયાનો આંકડો સામે આવી ચૂક્યો છે. અત્યારે સરકારની એસઆઇટીની ટીમની તપાસ પણ ચાલુ છે. જોકે, આ બધાની વચ્ચે હવે ભાજપ નેતાઓ એક પછી એક મીડિયા સમક્ષ પ્રગટ થઇ રહ્યાં છે. અને મૌન તોડી રહ્યાં છે. આજે ગુજરાત સરકારમાં મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાએ મીડિયા સમક્ષ પોતાનો મત વ્યક્ત કર્યો છે. 


ભાનુબેન બાબરિયાએ મીડિયા સમક્ષ આવીને ભાવુકતા સાથે કહ્યું કે, આ મારુ નામ આવશે તો હું જાહેર જીવન છોડી દઇશ. આજે સવારે મીડિયા સમક્ષ આવ્યા તે સમયે ભાનુબેન બાબરિયાએ ભાવક થઇને જણાવ્યુ હતુ કે, હું પરિવારના સંપર્કમાં હતી પરંતુ ફોટો ન પડાવ્યો, મારું નામ આવશે તો હું જાહેર જીવન છોડીશ. આવી ઘટનામાં કોઈપણ ગુનેગારને ના છોડવા જોઈએ. કોઈપણ હોય તેના સામે કડક કાર્યવાહી થવી જોઈએ.


આ ઉપરાંત રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી મીડિયા સમક્ષ પ્રગટ થયા હતા, તેમને પણ કહ્યું હતું કે, ક્યાય પણ મારું નામ આવશે તો જાહેર જીવન છોડીશ. કૌભાંડ સાબિત થશે તો જાહેર જીવન છોડીશ. જવાબદારો સામે પગલા ભરાશે.


ના સરઘસ, ના મીઠાઇ..... ચૂંટણી પરિણામોની ગુજરાત ભાજપ ઉજવણી નહીં કરે, રાજકોટ અગ્નિકાંડ બાદ મહત્વનો નિર્ણય


ગુજરાત ભાજપ રાજકોટ અગ્નિકાંડ બાદ એક મહત્વનો નિર્ણય લીધો છે. આગામી 4થી જૂને સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. આ પરિણામોમાં હાર-જીતનાં આંકડા આવશે પરંતુ ગુજરાત ભાજપ આની ઉજવણી નહીં કરે. 


રાજકોટ ગેમ ઝૉન અગ્નિકાંડને લઈને ગુજરાત ભાજપે નિર્ણય લીધો છે. ચૂંટણી પરિણામ બાદ ભાજપ કોઇપણ જાતની ધામધૂમથી ઉજવણી નહીં કરે. રાજ્યમાં ક્યાય પણ વિજય સરઘસ ના કાઢવાનો નિર્ણય લીધો છે. ભાજપની જીત થાય તો પણ રાજ્યમાં ક્યાંય પણ કાર્યકરો કે પાર્ટી દ્વારા ફટાકડા નહીં ફોડવા, મીઠાઈઓ નહીં વહેંચવાની સૂચના અપાઇ છે. કાર્યકરોને સાદાઈ જાળવવાની સૂચના અપાઇ છે.