રાજકોટઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. કોરોનાને ફેલાતો અટકાવવા સૌરાષ્ટ્રના કેટલાક શહેરો, ગામડાઓમાં સ્વૈચ્છિક લોકડાઉન નાંખવામાં આવ્યું છે. શહેરોમાં કોરોનાના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે ઘણા લોકો વતનમાં પરત આવી રહ્યા છે.
અમરેલીઃ અમરેલી જિલ્લામાં પણ કોરોનાએ કહેર મચાવ્યો છે. રાજુલાના કોવાયા ગામમાં 14 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન છે. ગામમાં માસ્ક વગર રખડતાં લોકો પાસેથી 1000 રૂપિયાનો દંડ કરાશે. કોવાયા ગામમાં સુરત, અમદાવાદ, રાજકોટ, મુંબઈથી આવતાં લોકોએ 14 દિવસ ફરજિયાત હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. જાફરાબાદ શહેરમાં શનિ-રવિનું લોકડાઉન જાહેર કરાયું છે. ખાંભા તાલુકાના ડેડાણ અને ત્રાકુડા ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે. અમરેલી વેપારી મહામંડળ દ્વારા એક અઠવાડિયા સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન કરવાની વિચારણા કરવામાં આવી રહી છે.
રાજકોટઃ શહેરમાં કોરોનાનો કહેર વધતા વધુ એક બજારમાં લોકડાઉન નાંખવામાં આવ્યું છે. રાજકોટની સોની બજારમાં વીકેન્ડ લોકડાઉન છે. જેના કારણે 500થી વધુ દુકાનો સવારથી બંધ છે.
ભાવનગરઃ ભાવનગરમાં કોરોનાના કેસ વધતાં શનિ-રવિ બે દિવસ સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. સોની બજાર સંપૂર્ણ બંધ છે.
દ્વારકાઃ ભાણવાડનું ગુંદા ગામ આજથી ત્રણ દિવસ સજ્જડ બંધ રહેશે. શનિ, રવિ, સોમ ત્રણ દિવસ આખો દિવસ બંધ બાદ મંગળવારથી ગામ દરોજ બપોરે 1 વાગ્યા બાદ બંધ પાળશે. 2200 જેટવી વસ્તી ધરાવાવતા ગામમાં બહારથી આવતા ફેરિયાઓને વેપાર કરવા ગામમાં આવવાની મનાઈ ફરમાવામાં આવી છે.
બોટાદઃ કોરોના સંક્રમણ વધતા બોટાદ જિલ્લાના આ ત્રણ શહેરો આજે સ્વયંભૂ બંધ રહેશે. બોટાદ, બરવાળા અને ગઢડા શહેરમાં આજે સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. બોટાદ નગરપાલિકા સાથે વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી.
જામજોધપુરઃ વધતા કોરોના કેસને ધ્યાને રાખી જામજોધપુર સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરાવવામાં આવી રહ્યો છે. આજથી ચાર દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે જેમાં મેડિકલ ઈમરજંસી સિવાય તમામ વેપાર ધંધા બંધ રહેશે. સવારથી જ શહેરની મુખ્ય બજારો અને લારી ગલ્લા સહિતના તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે. 21 એપ્રિલથી સવારના આઠથી બપોરના બે વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવામાં આવશે જેનો અમલ 30મી એપ્રીલ સુધી કરવામાં આવશે.
સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રા ત્રણ દિવસ બંધ રહેશે. ધ્રાંગધ્રામાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ધ્રાંગધ્રામાં બપોરના બે વાગ્યા બાદ દુકાનો બંધ રખાશે.