રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યારે ગઈ કાલે રાજ્ય સરકારે મિનિ લોકડાઉન અને નાઇટ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કર્યો છે. હવે 18મી મે સુધી રાજ્યના 36 શહેરોમાં નાઇટ કર્ફ્યૂ અને નિયંત્રણો અમલમાં રહેશે. ત્યારે રાજકોટમાં વેપારીઓનો વિરોધ યથાવત છે. રાજકોટની ગુંદાવાડી બજારના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ રાજકોટમાં કેટલીક દુકાનો ખુલી જોવા મળી હતી.
સરકાર એકબાદ એક લોકડાઉન વધારે છે. હવે 18 તારીખ પછી લોકડાઉન લંબાવશે તો દુકાનો ખોલી નાંખશું, તેમ વેપારીઓએ જણાવ્યું હતું. દુકાનો ખોલો અથવા સંપૂર્ણ લોકડાઉન કરો, તેવી પણ તેમણે માંગણી કરી હતી.
નવસારીમાં આંશિક લોક ડાઉન લંબાવાતા વેપારીઓની મુશ્કેલી વધી છે. નવસારીમાં મોબાઈલ એન્ડ એસેસરીઝ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું. દુકાનો બંધ રહેતા આર્થિક ભારણ વધવાની વેપારીઓએ ચિંતા જતાવી . ગુજરાતમાં ચાલતા મોબાઇલ અને એસેસરીઝના ઓનલાઈન વેપારને બંધ કરવાની પણ માંગ કરી હતી. કલેક્ટરે સરકારમાંથી નિર્ણય થાય તો છૂટ આપવાનું આશ્વાસન આપ્યું હતું.
વડોદરામાં આવશ્યક ચીજવસ્તુ સિવાયની દુકાન ખુલ્લી રાખતાં દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી. વડોદરા પાલિકા અને પોલીસની સંયુકત ટીમે કાર્યવાહી કરી હતી. જેટલપુર વિસ્તારમાં ગેલેક્સી હાર્ડવેર નામની દુકાન બંધ કરાવી સીલ કરી હતી. પાલિકાની ટીમે દુકાન સીલ કરી. દુકાન માલિક પાલિકાની ટીમ સાથે ખોટી દલીલ કરી રહ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં કલર સપ્લાય કરતા હોવાની બહાનાબાજી કરી રહ્યા હતા.
જોકે, વધુ એક અઠવાડિયું બજારો બંધ રાખવાના સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓ માટે જીવન નિર્વાહ કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. નવાયાર્ડમાં ટેલરિંગનો વ્યવસાય કરતા મનોજ મેકવાને હૈયા વરાળ ઠાલવી. મેકવેલ ટેલર ની દુકાન પર 4 પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. માલિક મનોજ મેકવાન અને 3 કારીગરો માટે મુસીબત ઉભી થઇ છે. ઇદનો તહેવાર જેમાં મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકો કપડા સિવડાવે છે. હાલ ટેલારિંગની દુકાન બંધ હોવાથી ઘરના, દુકાનની લોનના હપ્તા ભરવા પણ અઘરા સાબિત થઈ રહ્યા છે. 3 થી 4 કલ્લાક સવારે દુકાન ખોલવાની સરકાર મંજૂરી આપે તેવી માંગ કરી હતી.