રાજકોટઃ શહેરના જામનગર રોડ પર પુરુષની હત્યા કરાયેલી લાશ (Dead body) મળવાના મામલામાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પુરુષની યુવાન પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ ધરાવતા તેના પ્રેમી (Lover)એ જ પુરુષને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યારા બિહારી શખ્સને ઝડપી લીધો હતો.
નોંધનીય છે કે, આઇઓસી ડેપો પાસેથી ગત તા.4ના બપોરે પુરુષની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. પુરુષને પથ્થરના ઘા ઝીંકી હત્યા (Murder) થયું હોવાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ધડાકો થતાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસમાં મૃતક માધાપરના ઇશ્વરિયાપાર્કમાં રહેતા અને દરજી કામ કરતાં સાગરભાઇ જમનાદાસ રાઠોડ (ઉ.વ.55) હોવાનું ખુલ્યું હતું.
સાગરભાઇની પત્ની સંગીતા મહારાષ્ટ્રના ધુલિયાની વતની છે અને તેની ઉંમર 35 વર્ષની છે. પતિ-પત્નીની ઉંમરનો તફાવત જોતા પોલીસે સાગરભાઇ અને તેની પત્ની સાથેના સંબંધો પર તપાસ કેન્દ્રિત કરી હતી. જેમાં સંગીતાને તેના પતિ સાગરભાઇના મિત્ર સંજય ઉર્ફે છોટિયો ઉર્ફે બિહારી પાસ્વાન સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની માહિતી મળી હતી.
ક્રાઇમ બ્રાંચે (Rajkot Crime Branch) સંજય ઉર્ફે બિહારીને મંગળવારે ઉઠાવી લીધો હતો. પૂછપરછમાં સંજયે હત્યાની કબૂલાત આપી હતી. સંજયે કેફિયત આપી હતી કે, સંગીતા સાથે પાંચ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આ પ્રેમસંબંધમાં સાગરભાઇ આડખીલીરૂપ બનતા હતા. જેથી તેને પતાવી દીધો હતો. સાગરભાઇની હત્યા કર્યા બાદ સંજયે તેની પ્રેમિકાને તેના પતિને કામે લગાડી દીધો હોવાનું કહ્યું હતું. જોકે, આ અંગે કોઈ ખ્યાલ નહીં હોવાનું સંગીતાએ પોલીસ સમક્ષ રટણ રટ્યું હતું.
સાગરભાઇ અને આરોપી સંજય મિત્રો હતા. સંજય વારંવાર તેના મિત્રના ઘરે જતો હતો. તા.3ની રાત્રીના સંજયે મિત્ર સાગરભાઇને દારૂ પીવડાવ્યો હતો અને નશાની હાલતમાં તેને આઇઓસી ડેપો પાસે લઇ જઇ ત્યાં માથા, નાક અને ગુપ્તભાગ પર પથ્થર મારી પ્રૌઢને પતાવી દીધા હતા.