ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી વરસાદી મોસમ જામી છે, ત્યારે સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા થયા છે. આજે સવારે 6થી 10 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ જામનગરમાં નોંધાયો છે. જામનગરના કાલાવડમાં ચાર કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી રાજ્યના 102 તાલુકામાં વરસાદની પધરામણી થઈ હતી. રાજકોટના ધોરાજીમાં 5.6 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 5.1 ઈંચ, રાજકોટમાં 3.5, અમદાવાદના ધોલેરામાં 3 ઈંચ અને વલસાડના કપરાડામાં અઢી ઈંચ અને જૂનાગઢ શહેરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. 


રાજકોટ શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા ભારે વરસાદના કારણે આજી-2 ડેમમાં નવા નીર આવ્યા હતાં. ડેમ પૂર્ણતઃ સપાટીએ પહોંચતા ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. ડેમમાંથી પાણી છોડાતા રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી બે કાંઠે વહેતી થઈ હતી. હાલ આજી નદી કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિર નજીકથી જોરદાર પાણી વહી રહ્યા છે. આજી-2 ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાતા નીચાણવાળા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોને એલર્ટ કરાયા છે. જિલ્લા પ્રશાસને ઉપરોક્ત ગામોના લોકોને નદીના પટ વિસ્તારમાં અવરજવર નહીં કરવા સૂચના આપી છે.


રાજકોટ શહેરમાં વહેલી સવારથી પડી રહેલ ભારે વરસાદને પગલે શહેરની સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદના કારણે રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે. મોડી રાતથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી નાળાઓ અને ચેકડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. એવામાં સારા વરસાદથી લોધિકા તાલુકાની ખીરસરા ગામની મહાદેવડી નદીના રિવરફ્રંટમાં ઘોડાપૂર આવ્યુ છે.


રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસ્યો સાડા ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ. ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલી મોજ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. મોજ નદી બે કાંઠે વહેતી થતા મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.


આ તરફ લોધિકા તાલુકામાં પણ સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદથી ધુડિયા- દોમડા ગામના કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતાં. તો લોધિકા ઉપરાંત ઉપરવાસમાં સારા વરસાદના કારણે લોધિકા તાલુકાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા હતાં. ચેકડેમોના પાણી દોમડા ગામના રસ્તા પર ફરી વળ્યા હતાં.


રાજકોટના ગોંડલમાં મોડી રાત્રીના વરસ્યો સાડા ત્રણ ઈંચ વરસાદ. દિવસ દરમિયાન દોઢથી બે ઈંચ વરસાદ બાદ રાત્રીના મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેરના વછરાડાનો વાળો, ગુંદાડા દરવાજો, બસ સ્ટેંડ સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ગોંડલ તાલુકામાં 24 કલાકમાં 5 ઈંચ વરસાદ વરસી ગયો છે. રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે મોસમનો સૌથી વધુ 31 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.