રાજકોટ : ગુજરાતની વિજય રૂપાણી (Vijay Rupani) સરકારે રાજ્યનાં ચાર મોટાં શહેરોમાં નાઈટ કરફ્યુ (Gujarat Night Curfew) લાદી દીધો છે તેની સામે કચવાટ છે. કોરોના કહેરના કારણે રાત્રી કર્ફયુનો વેપારીઓ ભારે વિરોધ કરી રહ્યા છે અને તેમણે રાત્રિ કરફ્યુ હટાવીને શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન (Weekend Lockdown) લાદવાની રજૂઆત કરી છે. રાજકોટ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું શહેર હોવાથી રૂપાણી આ દરખાસ્ત સ્વીકારે એવી શક્યતા નકારી શકાય નહીં.


શું છે ફોર્મ્યુલા


રાજ્ય સરકાર દ્વારા લદાયેલા નાઈટ કરફ્યુના કારણે ધંધા પડી ભાંગતાં રાજકોટ ચેમ્બર્સ ઓફ કોમર્સ R(ajkot Chamber of Commerce) સાથે 80 વેપારી સંગઠનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટમાં રાત્રી કર્ફયુ હટાવી શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ કર્ફયુ લાદીને લોકડાઉન મૂકવાની ફોર્મ્યુલા રજૂ કરાઈ હતી. વેપારીઓની આ રજૂઆતને સ્વીકારીને ચેમ્બર્સ સોમવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને અઠવાડિયામાં 5 દિવસ ચાલુ રાખવાની રજૂઆત કરી રાત્રી કર્ફયુ ની મુક્ત ની માંગ રજૂ કરશે. વેપારી વર્ગને પોલીસ દ્વારા હેરાનગતિ અને ગુનેગાર જેવુ વર્તન થતું હોવાનો મુદો પણ બેઠકમાં ચમક્યો હતો.


ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અને તેના કારણે સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોના વાયરસથી (Gujarat Corona Cases) દિવસેને દિવસે ભયાવહ સ્થિતિ સર્જાઇ રહી છે અને કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે. રાજ્યમાં ૯ ડિસેમ્બર બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો (Active Cases) આંક ૧૪ હજારને પાર થયો છે. હાલમાં ૧૪,૨૯૮ એક્ટિવ કેસ છે જ્યારે અત્યાર સુધીમાં સર્વોચ્ચ ૧૬૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૧૫,૫૬૩ જ્યારે કુલ મરણાંક ૪,૫૫૨ છે. આ પૈકી એપ્રિલના ૩ દિવસમાં જ  ૭,૮૬૫ કેસ નોંધાઇ ચૂક્યા છે જ્યારે ૩૩ના મૃત્યુ થયા છે.