Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તૂટી રહી છે. ધોરાજી બાદ જેતપુરમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. લોકસભા ચૂંટણી પૂર્વ આમ આદમી પાર્ટીના એક પછી એક નેતાઓ રાજીનામા આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીના જેતપુર જામકંડોરણાના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર રોહિત ભુવાએ રાજીનામું આપ્યું હતું. ગત વિધાનસભા ચૂંટણીમાં જેતપુર જામકંડોરણાના આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર રોહિત ભુવાએ પાર્ટીની તમામ જવાબદારી અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. રોહિત ભુવા આગામી સમયમાં ભાજપ સાથે જોડાય તેવા સંકેતો છે.
આજે આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે તૈયારીઓ શરુ કરી દીધી છે, એકપછી વિપક્ષી નેતાઓ ભાજપ સાથે જોડાઇ રહ્યાં છે. આ કડીમાં હવે આજે શનિવારે કેટલાક નેતાઓ કેસરિયો ધારણ કરશે. 3 ફેબ્રુઆરીના રોજ ભાજપમાં ફરી ભરતીમેળો શરૂ થશે. શનિવારે 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે.
આપના ભૂપત ભાયાણી અને અરવિંદ લાડાણી ભાજપમાં જોડાશે. આ ઉપરાંત AAPના જૂનાગઢ જિલ્લા પંચાયતના સભ્ય રામજી ચૂડાસમા પણ ભાજપમાં જોડાશે. કોંગ્રેસના જૂનાગઢ તાલુકા પંચાયતના સભ્ય ભોળાભાઈ સોલંકી ભાજપમાં જોડાશે. જૂનાગઢ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસના પૂર્વ ચેરમેન સુનિતા ભાયાણી ભાજપમાં જોડાશે. આવતીકાલે ભેસાણ ખાતે સવારે 11 કલાકે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 2 હજાર લોકોને ભાજપમાં જોડશે.
જૂનાગઢમાં આજે પૂર્વ MLA ભૂપત ભાયાણી ભાજપમા જોડાશે, તેમની સાથે સાથે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ભાજપમાં જોડાશે. ભેસાણ ખાતે લેઉવા પટેલ સમાજની વાડીમાં આ કાર્યક્રમ યોજાશે. સંભવિત રીતે સીઆર પાટીલ આ કાર્યક્રમમાં હાજર રહેશે. વિસાવદર વિધાનસભામાંથી આપ પાર્ટીમાંથી ભાયાણી ચૂંટાયા હતા. તો વળી, અરવિંદ લાડાણીએ ગઇ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતુ. ભાયાણી અને લાડાણીના સમર્થકો પણ ભાજપમાં જોડાશે.
શનિવાર બાદ રવિવારે પણ ભાજપમાં ભરતી મેળો ચાલુ રહેશે. ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ રવિવારે ભાજપમાં જોડાશે. આણંદ જિલ્લા પંચાયતના 1 સભ્ય, ખંભાત પાલિકાના 3 સભ્ય પણ તેમની સાથે ભાજપમાં જોડાશે. ખંભાત તાલુકા પંચાયતના 3 સભ્ય અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલા 2 લોકો ભાજપમાં જોડાશે. રવિવારે ખંભાતમાં 11 કલાકે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ 1500 લોકોને ભાજપમાં જોડશે.