Rajkot News: રાજ્યની સાથે રાજકોટમાં પણ હાર્ટએટેકના કેસમાં ચોંકાવનારો વધારો થયો છે. રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. રાશીદ ખાન (ઉવ.34) અને રાજેશ ભૂત (ઉવ.45) નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બંનેને બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે સૂતા બાદ રાશીદ ખાન સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે રાજેશ ભૂત નામની વ્યક્તિને ખોરાણા ગામ ખાતે આવેલ વાડીએ બેભાન થઈ જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.


રવિવારે હાર્ટએટેકથી ત્રણ લોકોના થયા હતા


રાજ્યમાં રવિવારે હાર્ટએટેકથી ત્રણ લોકોના મોત થયા હતા. દાહોદમાં નાટક ભજવવા આવેલા જાણીતા કલાકારનું હાર્ટએટેકથી નિધન થયું હતું.  બોમ્બે ખાતે રહેતા 39 વર્ષીય ભાસ્કર એલ ગોજક દાહોદ ખાતે બે અઢી ખીચડી કઢી નાટક ભજવવા આવ્યા હતા. નાટક પૂર્ણ થયા બાદ હૃદય રોગનો હુમલો થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેમણે અનેક નાટક અને સિરિયલમાં કામ કર્યુ હતું. સંજય ગોરડીયા સહિત અન્ય 7 જેટલા પાત્રો નાટકમાં હતા. કલાકારના મૃતદેહને બોમ્બે લઈ જવામાં આવ્યો છે. કલાકારનું મોત થતાં સાથી કલાકારોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.


જેતપુરમાં વધુ એક યુવાન ને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. વેલકમ ચાઈનીઝમાં કામ કરતા યુવાનને ઘરે એટેક આવ્યો હતો. યુવકને ટાકુડીપરામાં પોતાની ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, કેસર દિલ બહાદુર ખત્રી (ઉ.વ. 39)  નામનો મૂળ નેપાળના અને જેતપુરના નેપાલ ગંજ ખાતે રહેતો યુવક છેલ્લા ઘણા વર્ષો થી જેતપુર વેલકમ ચાઈનીઝ નામની દુકાનમાં કામ કરતો હતો. મૃતદેહને પીએમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જેતપુર સીટી પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.


સુરતના કીમ વિસ્તારમાં 36 વર્ષિય યુવક રજનીકાંતનું હાર્ટ અટેકના  કારણે મૃત્યું થયું હતુ. રજનીકાંત પટેલ અંકલેશ્વરની એક મિલમાં મશીન ફિટિંગ દરમિયાન અચાનક બેભાન થઇને ઢળી પડ્યાં હતા. તેમના બેભાન અવસ્થઆમાં જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જો કે દુર્ભાગ્યવશ તેની જિંદગી ન બચાવી શકાય ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં. પ્રાથમિક તપાસમાં હાર્ટ અટેકથી મોત થયાનું કારણ સામે આવ્યું  છે.  મૃતક યુવક સુરતના કિમ વિસ્તારના શિવાજી નગરમાં રહેતો હતો. મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ અને શોકમગ્ન બની ગયા હતા.