Gujarat Rain: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજે સતત ત્રીજા દિવસે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ અને વિંછીયામાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે. જસદણમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિંછીયામાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી હાલતા થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરુ પડી રહ્યો છે.
વિંછીયામાં ધોધમાર વરસાદ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિંછીયાના સિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. બપોર બાદ વીંછિયા પંથકમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે. વિંછીયાના ખેતરો પણ પાણી પાણી થયા છે. વિછીયા અને જસદણ પંથકમાં એકથી દોઢ ઇંચ કરતાં પણ વધારે વરસાદ ખાબક્યો છે.
જસદણ પંથકમાં ભારે વરસાદ
રાજકોટ જિલ્લાના જસદણ શહેર અને જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. જસદણ, આટકોટ, જંગવડ, વીરનગર, ખારચીયા, પાંચવડા, કમળાપુર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. હાઇવે પરના વાહનો પણ થંભી ગયા હતા. જસદણ અને ગ્રામ્ય વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. આખો દિવસ ગરમી અને ઉકળાટ પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. દિવસે હાઈવે પર વાહનોની લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવા પડ્યા તેવો વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ શહેરમાં વરસાદ
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે. યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રેસકોર્સ રોડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.