રાજકોટ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે.  હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે સતત ત્રીજા દિવસે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે.  વરસાદ વરસતા ખેડૂત ચિંતિત થયા છે.  રાજકોટ જિલ્લાના લોધિકા ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે  વરસાદ શરુ થયો છે.  ભારે પવન સાથે વરસાદની સાથે કરા પડ્યા છે. 

લોધિકા પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે સોમવારે પણ લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. લોધિકાના ખીરસરા રણમલજી, મેટોડા જીઆઇડીસી,વડ વાજડી, હરીપર પાળ, મેટોડા ગામમાં કમોસમી વરસાદ વરસ્યો છે.  વરસાદથી ખેડૂતોના ઉનાળુ પાકને મોટાપાયે નુકસાન થયું છે.  

રાજકોટ શહેરમાં વરસાદ

રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો છે.  યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. રેસકોર્સ રોડ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.   

10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા નવી લેટેસ્ટ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં  આજથી 10 મે સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે. રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  

હવામાન વિભાગની આગાહી અનુસાર,  આજે ભાવનગર, અમરેલી, સુરત,ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લામાં વરસાદ આજે ભૂક્કા બોલાવશે. 

જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 

જ્યારે અમદાવાદ,ગાંધીનગર,ખેડા,મહેસાણા,સાબરકાંઠા,અરવલ્લી,મહીસાગર,દાહોદ,જામનગર,દ્વારકા,પોરબંદરમાં ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે.  

રેડ એલર્ટ જિલ્લામાં વિજળીના કડાકા-ભડાકા સાથે ભારે પવન અને બરફના કરાની સાથે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.