રાજકોટ: હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપલેટાના મજેઠી, લાઠ, ભીમોરા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લાઠ ગામમાં જતો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. 11 ઈંચ વરસાદના પગલે ઠેર- ઠેર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ ઉપલેટાના ખારચીયા ગામે છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટાના તલંગણામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે તલંગણા પાણી પાણી થયું છે. તલંગણામાં ઘરોમાં પાણી ઘુસવાની શરૂઆત થઈ છે.
લાઠ ગામમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર લાઠ ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
રાજકોટના ધોરાજીમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદના પગલે રોડ-રસ્તા પર પાણી ભરાવવાનું શરૂ થઈ ગયું છે. ધોરાજીમાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામમાં સવા આઠ ઈંચ, સુરતના કામરેજમાં સવા છ ઈંચ, સુરતના પલસાણામાં સવા છ ઈંચ, સુરત શહેરમાં છ ઈંચ, તાપીના નિઝરમાં પોણા છ ઈંચ ,સુરતના મહુવામાં પાંચ ઈંચ, નવસારી તાલુકામાં પાંચ ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં સાડા ચાર ઈંચ, વલસાડના પારડીમાં સવા ચાર ઈંચ, સુરતના ઓલપાડમાં સવા ચાર ઈંચ, પાટણ વેરાવળમાં ચાર ઈંચ, નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, આણંદના ખંભાતમાં ચાર ઈંચ, સુરતના ઉમરપાડામાં પોણા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં પોણા ચાર ઈંચ, જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે.