રાજકોટ: લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા  મહેરબાન થયા છે.  આજે પોરબંદર, ભાવનગર, રાજકોટ, જામનગર, અમરેલી, સુરેંદ્રનગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે.  પોરબંદર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. બપોરના 2 વાગ્યા સુધીમાં પોરબંદર શહેરમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરના કમલાબાગ,  સુદામા ચોક, નરસંગ ટેકરી,  છાયા અને બોખીરા સહિતના વિસ્તારો પાણી-પાણી થયા છે.  રાણાવાવ તાલુકામાં  1 ઈંચ વરસાદ વરસ્યો છે. 




સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ


સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત છે.  ધ્રાંગધ્રામાં સતત બીજા દિવસે મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. ધ્રાંગધ્રા શહેરના રાજકમલ ચોક, ગ્રીન ચોક,  શક્તિ ચોક,  માર્કેટ રોડ સહિતના વિસ્તારો પાણી-પાણી થયા છે. તાલુકાના સતાપર, કૂડા,  જસાપર,  સીતાપુર, વાવડી, ખાભડા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. થાન તાલુકામાં પણ મન મૂકીને  મેઘરાજા વરસ્યા છે. બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસતા થાન પાણી-પાણી થયું  છે. 


ભાવનગરના ગારિયાધારમાં વરસાદ


ભાવનગરના ગારિયાધાર તાલુકામાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગારિયાધારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા સમયબાદ વરસાદી માહોલ જામ્યો છે. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. 


રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ


રાજકોટ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહી રાજકોટ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના  ધોરાજી, જામકંડોરણા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી   મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે.


હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું, આગામી 20 તારીખ સુધી હજુ પણ વરસાદનું જોર યથાવત રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. સિસ્ટમ દરિયા વિસ્તાર તરફ જઈ રહી છે ત્યારે બનાસકાંઠા, કચ્છ, જામનગર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. ઓક્ટોબર માસમાં અરબી સમુદ્રમાં એક ચક્રવાત સર્જાશે, જેની ગતિ 150 કિલોમીટરથી પણ વધુ રહેવાની શક્યતા છે. 12 ઓકટોબરે તમિલનાડુ વિસ્તારમાં આ સિસ્ટમ આવવાની શક્યતા રહેશે, જેના કારણે દેશના દક્ષિણ પૂર્વીય વિસ્તારમાં ભારે પવન ફૂંકાશે. આ ચક્રવાતના પગલે ઓકટોબર માસના મધ્ય ભાગમાં ગુજરાતમાં વરસાદ થશે.