રાજકોટ: હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજકોટ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટના લોધિકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધિકા ખાતે વરસાદના કારણે ગામમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે.
લોધિકા પંથકમાં જામ્યો વરસાદી માહોલ
લોધિકા પંથકમાં અનેક ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી હતી. આજે પણ રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જિલ્લાના લોધિકા ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદ શરુ થયો છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
રાજકોટ શહેરમાં વરસાદી ઝાપટું
રાજકોટ શહેરમાં અચાનક બપોર બાદ વરસાદી ઝાપટું પડ્યું છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે હવામાન બદલાયું હતું. અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, રેસકોર્સ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
ચોમાસું ક્યારે આવશે?
ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે, દક્ષિણપશ્ચિમ ચોમાસું 12 થી 18 જૂનની વચ્ચે શરૂ થઈ શકે છે. IMD ના એક અધિકારીએ જણાવ્યું હતું કે 12-13 જૂનના રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની શકે છે. જોકે, વિવિધ મોડેલોને કારણે હજુ પણ કેટલીક અનિશ્ચિતતાઓ છે. કેટલાક નિષ્ણાત સિસ્ટમ બનવા માટે આશાવાદી છે તો કેટલાક નથી.
IMD મધ્ય ભારત, મહારાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં (જ્યાં ચોમાસુ પહેલેથી જ આવી ગયું છે) સારા વરસાદની અપેક્ષા રાખે છે. ચોમાસાની ધીમી પ્રગતિને કારણે દુષ્કાળનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ આગાહી આશાનું કિરણ લઈને આવી છે.
IMD અધિકારીના જણાવ્યા અનુસાર, પશ્ચિમી પવનોના મજબૂત થવાને કારણે અને પશ્ચિમ કિનારા પર ઓફ-શોર ટ્રફ બનવાની શક્યતાને કારણે, દક્ષિણ દ્વીપકલ્પ અને નજીકના મધ્ય ભારતના ઘણા ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે વ્યાપકથી ખૂબ જ વ્યાપક વરસાદની સંભાવના છે.