રાજકોટ: રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામકંડોરણા તાલુકા અને કાલાવડ તાલુકા વચ્ચે આવેલા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  જામકંડોરણા તાલુકાના થોરીયાળી, સાતુદડ,વાવડી સહિતના ગામડાંઓમા નદીઓ બે કાંઠે થઈ છે. 



ગામડાઓના રસ્તાઓ અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે.  રાત્રિના માત્ર દોઢ જ કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ ખાબકતા પાણી ફરી વળ્યા છે. જામકંડોણાની ઉતાવળી નદી સહિતની નદીઓ પણ બે કાંઠે થઈ છે.  જામકંડોરણાના પીપરડી અને આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ  વરસ્યો છે. 


ગામના અગ્રણીઓ અને ગામના લોકોએ કહ્યું આટલો ધોધમાર વરસાદ ક્યારેય જોયો નથી. માત્ર દોઢ જ કલાકમાં 6થી 7 ઇંચ જેટલો ધોધમાર  વરસાદ  વરસતા ગામમાં નદીઓ વહેવા લાગી હતી.   


ધોરાજીમાં આભ ફાટ્યું હતું


રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે. ઘોરાજીમાં 12 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.  બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. 


ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટાભાગના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. બે કલાકમાં જ 6 ઈંચ વરસાદ તૂટી પડતા દિવસભર કુલ 9 ઈંચ વરસાદ વરસ્યો છે. ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  ધોરાજી પંથકમા 12  ઇંચ વરસાદ પડતાની સાથે જ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી. ધોરાજી શહેરની બજારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.  


 અંબાલાલ પટેલે કરી નવી આગાહી


આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે.  હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે.  દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.