રાજકોટ:  રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.  જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે.  જામકંડોરણાના  ખજૂરાહ, બાલાપર,  ધકાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે.  ગ્રામ્ય વિસ્તાર ખજૂરાહમાં ઉતાવળી નદી ગાંડી તુર બની છે.  


ખજૂરાહ ગામમા જવાનાં રસ્તા ધાબી ઉપર ઉતાવળી નદીના પાણી ફરી વરતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.  ખજૂરાહ જવાનાં પુલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મૂકાયા છે.  ગામમાં જવા માટે બે કિલોમીટર ફરી અંદર જવુ પડે છે.  ઉતાવળી નદી ગાંડીતુર થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા હતા. 


રાજકોટ જિલ્લાના  જામકંડોરણાના દૂધીવદર ગામ નજીક આવેલ ફોફળ ડેમ ઓવરફ્લો થયો છે.  દુધીવદર ગામ પાસેની નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ઉપરવાસના વિસ્તારો અનિડા વાછરા સહિતના ગામડાઓમાં સારા વરસાદને લઈને પાણીની આવક થઈ છે.  ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે.  ધોરાજી શહેર તેમજ જામકંડોરણા તાલુકાના ગામને પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે.  ડેમ કાંઠા વિસ્તારના રાયડી, તરવડા,ઇશ્વરીયા,દૂધીવદર,વેગડી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.  નદીના પટમાં અવરજવર નહિ કરવા તંત્રએ સૂચના આપી છે.   


અમદાવાદમાં સાંજે ધોધમાર વરસાદ


હવામાન વિભાગની આગાહીને પગલે અમદાવાદમાં મોડી સાંજે ધમાકેદાર વરસાદની શરુઆત થઈ છે. અમદાવાદ પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, ગાંધી રોડ, આશ્રમ રોડ, સીજી રોડ, નરોડા, નારોલ, નિકોલ, બાપુનગર, કૃષ્ણનગર, નરોડા, આસ્ટોડિયા, ગીતા મંદિર, રાયપુર, ખાડિયા, જમાલપુર, બોપલ, ઘુમા, શીલજ, મેઘાણીનગર, મેમ્કો, શાહીબાગ, સેટેલાઈટ રોડમાં વરસાદનું આગમન થયું છે. આ ઉપરાંત રાણીપ, વાડજ, ઘાટલોડિયામાં વરસાદનું જોર વધ્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સાણંદ, બાવળા, ધંધુકામાં વરસાદ શરૂ થયો છે.









 


વરસાદ શરૂ થતા અમદાવાદમાં જળભરાવની સ્થિતિ પણ જોવા મળી રહી છે. અશોકનગર વિકાસગૃહ પાસે પાણી ભરાયા છે. પાલડી સહીતના વિસ્તારમાં પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદથી અમદાવાદના આનંદનગરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આનંદનગરમાં અનેક ઠેકાણે પાણી ભરાયા છે. 


અડધા કલાકના વરસાદથી સચિન ટાવર પાસે પાણી ભરાયા છે. પાણી ભરાવવાના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રહલાદનગરથી શ્યામલ ચાર રસ્તા સુધી ભારે ટ્રાફિકજામ સર્જાયો છે. તો બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદને પગલે સિંચાઈ વિભાગ દ્રારા વાસણા ડેમના  6 દરવાજા ખોલવામાં આવ્યા છે. જે બાદ 14 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યું છે.


રાજ્યમાં સાંજે 4થી 6 વાગ્યા સુધીમા 58 તાલુકામાં વરસાદ



  • 2 કલાકમાં પોરબંદરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ

  • 2 કલાકમાં રાણાવાવમાં બે ઈંચ વરસાદ

  • 2 કલાકમાં ડીસા, બોડેલીમાં 2-2 ઈંચ વરસાદ

  • 2 કલાકમાં ગોંડલ, ગઢડામાં પોણા બે ઈંચ વરસાદ

  • 2 કલાકમાં બરવાળા, બાબરા, બોટાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ

  • 2 કલાકમાં પ્રાંતિજ, લોધિકામાં સવા ઈંચ વરસાદ

  • 2 કલાકમાં કોટડાસાંગાણી, ખેરગામમાં એક-એક ઈંચ વરસાદ  


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial