હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરમાં વરસાદ શરુ થતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવાનું શરુ થયું છે.


ગીર સોમનાથમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. સેમળીયા,રાયડી, પાણીકોઠા સહિત અનેક ગામોના રસ્તાઓ અને ખેતરો પાણીથી ભરાયા હતા. સેમળીયાથી પાણીકોઠા રોડ પર પાણી ફરી વળ્યા છે.   ગીર સોમનાથના ગીર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીતીર્થ, અરણેજ, સેમળિયા, પીખોર સહિતના ગામોમાં વરસાદ પડયો છે.  વેરાવળના કોડીદ્રા, પંડવા, ભેટાળી, માથાસુરીયા, લુંભા અને આજુબાજુના ગામોમાં વરસાદ પડયો છે.



દેવભૂમિ દ્વારકામાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે.  ભારે પવન સાથે મેઘરાજાએ દેવભૂમિ દ્વારકા પર હેત વરસાવ્યું હતું. જેમાં યાત્રાધામ દ્વારકામાં સારો વરસાદ પડયો છે. જયારે જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. 


રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી


રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 


હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી. 


રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ધોરાજીમાં સાડા ત્રણ ઈંચ ખાબક્યો હતો. તો ડાંગમાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. વલસાડના ધરમપુર, નર્મદાના નાંદોદમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડ્યો. તો સુરત શહેર અને દાહોદમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.