વરસાદની આગાહીની વચ્ચે રાજકોટ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટના કાલાવડ રોડ, લીમડા ચોક, એસ્ટ્રોન ચોક, બસ સ્ટેશન, નાના મવા, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ધોધમાર વરસાદ શરૂ થતા રાજકોટ જિલ્લાના ખેડૂતોને પણ સારા પાકની આશા જાગી છે. રાજકોટ જિલ્લામાં આ સિઝનમાં માત્ર અત્યાર સુધીમાં સવા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લામાં આ સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 19 ટકા જ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં આ સિઝનમાં માત્ર સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ 24 ટકા જ વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગોંડલમાં જેતપુર રોડ, જેલ ચોક, વિક્રમસિંહજી કોમ્પલેક્સ રોડ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગુંદાળા શેરીમાં પણ વરસાદી પાણી વહેતા થયા હતા. જેતુપર રોડ પર ભારે વરસાદને લઈને ભૂવા પડ્યા છે અને ભૂવામાં પાણી ભરાવાને લીધે અક્સમાત થતા જોવા પણ મળ્યા. કેડ સમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ સારા વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ 25 જુલાઈના રોજ ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, વલસાડ, ડાંગમાં ભારેથી અતિભારે વરસાત પડી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
24 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, ડાંગ, તાપી, જામનગર, મોરબી, દ્વારકાને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.