રાજકોટઃ રાજકોટના રાજવી પરિવારમાં મિલકત વિવાદનો મુદ્દો કોર્ટમાં પહોંચ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહે મંદિરના નામે વિશ્વાસધાત કર્યો હોવાની તેમનાં બહેન અંબિકાદેવીએ કોર્ટે સમક્ષ ફરિયાદ કરી છે. આ મુદ્દે આજે સ્પેશિયલ સિવિલ કોર્ટમાં પહેલી સુનાવણી થશે. આ પહેલાં બંને ભાઈ-બહેન વચ્ચે બે ગામ વચ્ચે આવેલી જમીનનો વિવાદ હતો પણ આ વિવાદ હવે તમામ મિલકતો સુધી પહોંચ્યો છે. આ વિવાદમાં બંને પક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે.
અંબાલિકા દેવીએ કે માધાપરની 575 એકર જમીન અને સરધારની 2 હેક્ટર જેટલી જમીનમાં વારસાઈ નોંધ સામે વાંદો ઉઠાવ્યો છે. હવે તેમણે છેતરપિંડીના આક્ષેપ સાથે દીવાની કોર્ટમાં માંધાતાસિંહ તેમના માતા અને અન્ય બે બહેનો સહિત ચાર સામે દાવો માંડ્યો છે જેની ગુરુવારે પ્રથમ સુનાવણી હાથ ધરવામાં આવશે.
અંબાલિકા દેવીએ દાવામાં જણાવ્યું છે કે, તેઓ જૂન 2019માં માતાને મળવા માટે રાજકોટ આવ્યા હતા. આ સમયે માંધાતાસિંહે કહ્યું હતું કે, પેલેસ રોડ પરનું આશાપુરા મંદિર વડીલોપાર્જિત છે અને તેની પોતે સારસંભાળ રાખે છે. આ મંદિર સિટી સરવે નંબર 1109, વોર્ડ નંબર 5માં છે અને 1396 ચોરસ મીટર જગ્યા છે. મંદિરની સારસંભાળમાં ભવિષ્યમાં સહમાલિક તરીકે સહીની જરૂર ન પડે અને કાયદાકીય અડચણ ઊભી ન થાય તેવું સમજાવીને મંદિરની જગ્યા માટે રિલીઝ ડીડ કરાવા કહ્યું હતું. આ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા જેમાંથી 10 લાખ આરટીજીસીએ જ્યારે 1.40 કરોડ રૂપિયાનો ડ્રાફ્ટ પેલેસ રોડ સ્થિત આઈસીઆઈસીઆઈ બેંકનો આપ્યો હતો. વડીલોપાર્જિત મિલકતમાં હિસ્સો જાળવી રાખશે અને પાંચમા ભાગે આવતી મિલકતો નામે કરાવી આપશે તેવું વચન આપીને રિલીઝ ડીડ અને બે પાવર ઓફ એટર્ની કરાવી હતી.
જો કે થોડા સમય બાદ જ્યારે 135 ડીની નોટિસ શરૂ થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે મંદિરની રિલીઝ ડીડના બહાને બધી મિલકતો લખાવી લીધી છે તેથી આ ડીડ ‘નલ એન્ડ વોઈડ’ છે. તેમણે દાવો કર્યો કે, પોતાને અંધારામાં રાખીને એક ભાઈ-બહેનના સંબંધ ઉપર વિશ્વાસઘાત કરી બહેન પાસેથી ખોટી રીતે સંમતિ મેળવી લીધી છે જે બંધનકર્તા નથી.