રાજકોટ: રાજકોટ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરના  વાતાવરણમાં પલટો આવ્યો છે.  શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું છે.  શહેરના યુનિવર્સીટી રોડ, કાલાવડ રોડ, 150 ફુટ રિંગરોડ, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.  રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ શહેરમાં વરસાદ વરસતા લોકોને ગરમીથી મોટી રાહત મળી છે. 


રાજકોટ જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે.   રાજકોટ જિલ્લાના ધોરાજીમા  વરસાદ શરૂ થયો છે.  ધોરાજી શહેરમા ગાજવીજ સાથે  વરસાદ શરૂ થયો છે.  ધોરાજી શહેરમા ગાજવીજ સાથે વરસાદ શરૂ થતા શહેરના મુખ્ય રસ્તાઓ પાણી-પાણી થયા છે.   વરસાદને કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે. 




રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  બે દિવસના વિરામ બાદ  લોધિકા પંથકમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.  લાંબા વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  મોટાવડા, ઈટાળા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા છે.  ભારે વરસાદને લઈને મગફળી સહિતના પાકને ફાયદો થશે. ભારે વરસાદથી કપાસના પાકમાં ભારે નુકસાન થશે.   


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી


ગુજરાતમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં  28 તારીખથી એક સિસ્ટમ સક્રીય થશે જેના કારણે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  30 સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ ઉભુ થવાની શક્યતા છે.  2 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર સુધીમાં હવાના દબાણમાંથી ધીમે ધીમે ચક્રવાત સર્જાવાની સંભાવના છે.  જે બાદ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. સાથે જ એક બાદ એક ચક્રવાત બનવાની પણ સંભાવના છે. જેને લઈ ગુજરાતમાં વરસાદ આવશે.  જેમાં દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારમાં વરસાદ પડી શકે છે. જ્યારે અંબાલાલ પટેલે પણ અરબ સાગરમાં 28 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.  જે બાદ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.   


ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે


બે દિવસમાં ભલે ચોમાસુ વિદાય લે પરંતુ વરસાદી માહોલ  યથાવત રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આંકલન કર્યું છે કે ચોમાસુ 25 સપ્ટેમ્બર સુધીમાં વિદાય લઈ લેશે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત કચ્છના કેટલાક ભાગો સાથે જ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ લાવશે. હવે જે વરસાદ આવશે તે ભારે પવન સાથે વરસી શકે છે.  જ્યારે તાપમાન 34 ડિગ્રીની આસપાસ રહેશે. ઓક્ટોબરમાં 36થી 38 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે.