રાજકોટ: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બે દિવસથી સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિત જોવા મળી રહી છે.  રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાના 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે, જ્યાં મોસમનો 45% વરસાદ વરસ્યો છે અને હજુ પણ અવિરત પણે વરસી રહ્યો છે. મેઘ સાથે મેઘાનાં મંડાણ મંડાતાં હાલ ધોરાજીમાં 7 ઇંચ અને ગોંડલમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે. લોધિકામાં માત્ર 4 કલાકમાં જ 11.8 ઇંચ વરસાદ નોંધાયો છે.


રાજકોટ જિલ્લામાં વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.



રાજકોટમાં 11 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર,  ઘરમાં પાણી ઘૂસ્યા, અનેક કાર તણાઈ 


રાજકોટમાં પડેલા ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું.


રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.