રાજકોટ: આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આજે સવારથી જ મેઘમહેર જોવા મળી છે. ક્યાંક ભારે વરસાદ વરસ્યો છે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે સવારથી રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદનુ આગમન થયું છે. સવારથી અસહ્ય ઉકળાટ બાદ સાવરકુંડલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમા વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે. હાથસણી, નાના ભમોદ્રા, અમૃતવેલ, ભુવા, ધાર, મોલડી, મોટા ઝિંઝુડા, ઠવી, વીરડી, નાળ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે.
ભાવનગર જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ છે. જેસર તાલુકામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. જેસરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે. અનરાધાર વરસાદ વરસતા જેસરની બજારમાં વરસાદનાં પાણી વહેતા થયા છે. જ્યારે બીજી તરફ જેસરનાં ઝડકલા ગામે વરસાદના પાણી ભરાયા છે. જેસર તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. રાજપરા,રાણપડા, રાણીગામ, ચીરોડ સહિતનાં ગામડાઓમાં વરસાદનું આગમન થયું છે. વાવણી લાયક વરસાદ વરસવાનું શરૂ થતા ખેડૂતોમાં ખુશાનો માહોલ જોવા મળી રહ્યો છે
રાજકોટ જિલ્લામાં પણ આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. જસદણમાં વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ પંથકમા સવારથી વાદળછાયું વાતાવરણ છે.
જસદણ શહેરના ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે. આટકોટ,પાંચવડા, જીવાપરમાં વરસાદ વરસ્યો છે. ધીમીધારે વરસાદના આગમન સાથે ચોમાસાની વિધિવત શરુઆત થઈ ગઈ છે. ખેડૂતોમાં આનંદની લાગણી છે. વાવણીલાયક વરસાદ પછી ખેડૂતો ખુશખુશાલ છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધારે ચાર ઈંચ વરસાદ દાહોદના દેવગઢ બારીયામાં નોંધાયો છે. 13 જિલ્લાના 39 તાલુકામાં વરસાદ વરસ્યો છે. પંચમહાલના જાંબુઘોડામાં પોણા ત્રણ ઇંચ, છોટાઉદેપુરના જેતપુર-પાવીમાં પોણા બે ઇંચ, દાહોદના ધાનપુરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.