રાજકોટ: રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટ જિલ્લના ઉપલેટામાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ઉપલેટા શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે એક કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે ઉપલેટામાં રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉપલેટાના ઝકરિયા ચોક, અશ્વિન ચોક, બસ સ્ટેન્ડ ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપલેટા અને ગ્રામ્ય પંથકમાં સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ છે.
આજે ઉપલેટા શહેર અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. સાતવડી, મોટી પાનેલી, હરિયાસણ ગામમાં ભારે વરસાદ વરસ્યો છે. ચરેલીયા, ખારચિયા,રાજપરા,ઢાંક અને ગધેથડમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપલેટા તાલુકાના સાતવડી ગામનો ડેમ 42 ફૂટની સપાટી પર પહોંચી ગયો છે. ઉપલેટા પંથકમાં આજે બપોર બાદ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
ઉપલેટા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ
ભારે વરસાદને પગલે ઉપલેટા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા. સમગ્ર શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના નવ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેડ એલર્ટ સમયે પ્રતિ કલાકે 41થી 60ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે સક્રિય થયેલી મજબૂત સિસ્ટમના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આકાશી આફત અને મહેરની વચ્ચે સૌથી ગંભીર સ્થિતિ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોવા મળી છે, જ્યાં બપોરે બે વાગ્યા સુધીમાં સૌથી વધુ 7.28 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળમગ્ન બન્યો છે. મુશળધાર વરસાદના કારણે માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે.
