રાજકોટ: સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. નાગરિકો સરકાર અને વહીવટી તંત્ર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરે તેવી અપીલ સરકાર દ્વારા કરાઈ છે. વરસાદને કારણે કોઈ જાનહાનિ કે મોટી માલહાનિ થઈ નથી. પશુઓ અંગે આજે મોડી સાંજ સુધીમાં સર્વે ચાલુ કરવામાં આવશે.
આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું
આજે પણ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ થશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જૂનાગઢમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ આજે ભારે વરસાદ રહેશે.
અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલમાં ગઈ કાલે સૌથી વધુ 24 cm વરસાદ વરસ્યો હતો. કચ્છ, પાટણ અને મોરબીમાં, આવતીકાલે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જયારે બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સીઝનનો અત્યાર સુધી 105 ટકા વરસાદ નોંધાયો છે. આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે.
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ
રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રેસકોર્ષ રીંગરોડ,યાજ્ઞિક રોડ,ગોંડલ રોડ,કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ પર ભારે વરસાદ વરસ્યો છે. શહેરના મવડી વિસ્તાર,150 ફૂટ રીંગ રોડ, મોટા મવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લાંબા વિરામ બાદ રાજકોટ શહેરમાં વરસાદનું આગમન થયું છે. શહેરના સામા કાંઠા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.
રાજકોટ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ
રાજકોટ શહેરમાં અંદાજે 50 દિવસ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના પડધરી અને લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે. શાપર વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ગોંડલ તાલુકાના અલગ-અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ઉપલેટા અને ધોરાજી પંથકમાં પણ વરસાદી માહોલ છે. જેતપુરમાં લાંબા સમય બાદ વરસાદ વરસ્યો છે.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial