Rajkot News: રાજકોટ-જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં આજે સવારે અનૈતિક સંબંધોને કારણે એક ખૂની ખેલ ખેલાયો હતો. પતિએ પોતાની પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે ગોળી મારીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

Continues below advertisement


ગોળીબારની ઘટના અને મૃત્યુ
ઘટના આજે સવારે ત્યારે બની જ્યારે પત્ની તેની બહેનપણી સાથે જીમ કરીને પરત ફરી રહી હતી. તે સમયે પતિએ પત્ની પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ તરત જ પતિએે પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. ઇજાગ્રસ્ત પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળેથી 5 જેટલા ફૂટેલા કારતૂસ કબજે કર્યા છે.


અનૈતિક સંબંધોનું કારણ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી સતત ઝઘડો ચાલતો હતો. પતિને તેની પત્નીના કૌટુંબિક ભત્રીજા સાથે અનૈતિક સંબંધો હોવાની જાણ થઈ હતી. આ ઝઘડાને કારણે પત્ની છેલ્લા દોઢ મહિનાથી તેના પતિથી અલગ થઈને તેની મહિલા મિત્રના ઘરે રહેતી હતી. આજે સવારે પતિ મહિલા મિત્રના ઘરે આવીને કમ્પાઉન્ડમાં આ હત્યા અને આત્મહત્યાના બનાવને અંજામ આપ્યો હતો.


ઘટનાની જાણ થતાં જ ડીસીપી ક્રાઇમ, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીગ્રામ પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બનાવના મૂળ કારણો અને પુરાવા એકત્ર કરવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


રાજકોટ ફાયરિંગ-આપઘાત કેસમાં ACP રાધિકા ભારાઈનું નિવેદન
રાજકોટમાં પતિ દ્વારા પત્ની પર ફાયરિંગ કરીને આપઘાત કરવાના સનસનાટીભર્યા મામલે એસીપી (પશ્ચિમ) રાધિકા ભારાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. એસીપી ભારાઈએ જણાવ્યું કે, આ સમગ્ર ઘટના ઘાયત મહિલા જ્યાં રહેતા હતા તે કમ્પાઉન્ડમાં બની છે અને ઘટનામાં કુલ 4 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું છે. પતિએ પત્ની પર ફાયરિંગ કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો છે. ઇજાગ્રસ્ત પત્ની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, પરંતુ તેમની હાલત ગંભીર છે. પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળનું કારણ પારિવારિક ઝઘડો હોવાનું સામે આવ્યું છે અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આત્મહત્યા અને હત્યાની કોશીશની આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચાવી દીધી છે.