રાજકોટઃ રાજકોટમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો હતો. કેસરી રંગથી રંગાયેલી ખુલ્લી કારમાં સવાર થઈ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ શો યોજ્યો હતો. દોઢ કિલોમીટર સુધીના રોડ શૉમાં વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. વડાપ્રધાન મોદીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વડાપ્રધાન પર લોકોએ ફૂલોનો વરસાદ કર્યો હતો. એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજાયો હતો. સૌરાષ્ટ્રભરમાંથી લોકો ઉમટ્યા હતા. રોડ શોના રૂટ પર સ્વાગત માટે 60 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા.






રોડ શો બાદ વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધ્યા હતા. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આજે રાજકોટે રંગ રાખી દીધો હો. આપણે ત્યાં દિવાળી એટલે હિસાબ કિતાબનું વર્ષ. રાજકોટ મારી પહેલી પાઠશાળા છે. વજુભાઇ વાળાએ સીટ ખાલી કરી અને તમે મને વધાવી લીધો છે. આજે દેશમાં ગુજરાતની ચર્ચાઓ છે. રાજકોટ જોઇને દેશના લોકો મોઢામાં આંગળી નાખી ગયા છે.






વધુમાં વડાપ્રધાને કહ્યું કે કનેકટીવીટી, પાણી, લોકોની સુવિધા સાથે જોડાયેલા અનેક પ્રોજેકટ રાજકોટને શકિતશાળી બનાવશે. ઉત્તમમાં ઉત્તમ ટેકનિક દ્ધારા દેશમાં છ જગ્યાએ મકાનો બનાવવાનું નવતર અભિયાન શરૂ કરાયું છે. આ સુંદર મકાનો માટે આ ઘરની માલિક બનેલી માતા –બહેનોને વિશેષ રૂપી અભિનંદન પાઠવું છું. મારા માટે રાજકોટ પહેલી રાજકીય પાઠશાળા હતી. મારુ સૌભાગ્ય હતુ કે ઉત્તર ગુજરાતમાં જન્મ્યો અને પહેલી રાજકીય પાઠશાળા રાજકોટ હતી. તમે મને આશીર્વાદ આપ્યા અને જવાબદારી વધતી જાય છે. આ રાજકોટનું ઋણ ક્યારેય પુરુ નહી થાય. ગુજરાતની જહોજલાલીની ચર્ચા થતી હોય છે.






તેમણે કહ્યું હતું કે પોતાનું ઘરનું ઘર બનાવવા માટે સરકાર મધ્યમવર્ગ-ગરીબો માટે અનેક યોજના લઇને આવી છે. માત્ર ચાર દીવાલો નહીં પરંતુ ઘર એવું હોય કે જિંદગી જીવવાની મજા આવે. જેમાં વીજળી, પાણી, ટોઇલેટ, ગેસ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને ઓપ્ટિકલ ફાઇબર જેવી સુવિધા હોય.