રાજકોટ: એક બાજુ તાપમાન પારો વધી રહ્યો છે તો બીજી બાજુ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. રાજ્યના અનેક શહેરોનાં લિબુના ભાવ આસમાને પહોંચ્યા છે. રાજ્યનાં કેટલાક વિસ્તારમાં નંગના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. લીંબુની સાઈઝના આધારે એક નંગ લિંબુ માટે 15થી 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. એક કિલો લીંબુના ભાવ 250 થી 300 રૂપિયાએ પહોંચ્યા છે. લીબુના ભાવ વધતા લીંબુ સોડામાં 5 રૂપિયાના વધારા સાથે 20 રૂપિયા થયા છે જ્યારે લીબુ શરબતના 5 રૂપિયા વધીને 25 રૂપિયા થયા છે. જેમ જેમ મોંઘવારી વધી રહી છે તેમ તેમ સોડા,સરબત અને ઠંડા પીણામાં વેપારમાં મંદી આવી રહી છે. લોકો ગરમીથી બચવા લીંબુનો ઉપયોગ કરે છે પરંતુ તેના ભાવમાં મોટો ઉછાળો આવતા લોકો લીંબુ ખરીદતા અચકાઈ રહ્યા છેય
તો બીજી તરફ સુરત APMCમાં ખેડૂતને પ્રતિ કિલો લીંબુના ભાવ 100 થી 150 જ મળે છે. એ જ લીંબુ APMCમાં દલાલો 200 રૂપિયા કિલો આપે છે.
છૂટક બજાર ફેરિયાઓ 200 રૂપિયા કિલોના 320 રૂપિયા કિલો વેચે છે. દલાલો મલાઈ ખાય છે અને જનતાને મોંઘવારી સહન કરવી પડે છે. જનતાના હાથમાં લીંબુ આવતા 320 રૂપિયા કિલો કઈ રીતે થાય છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
રાજ્યમાં અગનવર્ષાથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગુરૂવારે રાજ્યના દસ શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર થયો હતો. તો હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છામં યલો એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં બે વર્ષમાં પ્રથમવાર એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 43 ડિગ્રને પાર થયો છે. હવામાન વિભાગી આગાહી અનુસાર અમદાવાદમાં હજુ 16 એપ્રિલ સુધી તાપમાન 42 ડિગ્રીથી નીચે જાય તેવી સંભાવના નહીંવત છે.
આજે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેંદ્રનગર,રાજકોટ, અમરેલી તો શનિવારે બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર,રાજકોટ, સુરેંદ્રનગર,અમરેલી તો રવિવારે બનાસકાંઠા અને કચ્છમાં કાળઝાળ ગરમીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુરૂવારે નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો કંડલા એયરપોર્ટ પર સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 44.4 ડિગ્રી પહોંચી ગયો હતો. કેશોદમાં ગરમીનો પારો 43.7 ડિગ્રી પર પહોંચ્યો છે. તો ભૂજ, ડીસા અને અમરેલીમાં ગુરૂવારે ગરમીનો પારો 43.4 ડિગ્રી સુધી પહોંચતા નાગરિકો કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
અમદાવાદમાં ગરમીનો પારો 43.2 ડિગ્રી, રાજકોટમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ગાંધીનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી પર પહોંચ્યો હતો. વડોદરામાં ગરમીનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો હતો.