રાજકોટઃ રાજકોટમાં ઉત્તરાયણના દિવસે ચાઇનીઝ દોરીથી ગળુ કપાતા એક બાળકનું મોત થયુ હતું. મળતી જાણકારી અનુસાર, રાજકોટ-કોઠારિયા રોડ પર ચાઇનીઝ દોરીથી સાત વર્ષના બાળકનું મોત થયુ હતું. લોઠડા ગામના રહેવાસી સાત વર્ષીય ઋષભ વર્મા નામનો બાળક બપોરના સમયે કોઠારિયાની શાક માર્કેટ પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પતંગની દોરીથી ગળુ કપાતા બાળકનું મોત થયુ હતું. તરત જ ઋષભને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.


બીજી તરફ મહેસાણાના વિસનગરમાં માતા સરોજબહેન ઠાકોર પોતાની 4 વર્ષીય દીકરી કિસ્મતને તેડીને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાળકીના ગળામાં ચાઈનીઝ દોરી ફસાઈ હતી. આ સમયે જ ત્યાથી એક બસ પસાર થઈ હતી.  દોરી બસમાં પણ આવી જતાં ખેંચાઈ અને બાળકીનું ગળું કપાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. માતાના હાથમાં માસૂમ બાળકીએ જીવ ગુમાવતા પરિવાર આઘાતમાં સરી પડ્યો. તો વડોદરાના દશરથ ગામ હાઈવે પર એક યુવકનું પતંગની દોરીથી ગળું કપાઈ જતાં તેનું મોત થયું છે.  યુવક બાઈક પર પસાર થઈ રહ્યો હતો. આ સમયે ચાઈનીઝ દોરી તેના ગળામાં ફસાતા તે લોહીલુહાણ થયો હતો. ઘટનાસ્થળે જ તેનું મોત થતાં તેના મૃતદેહને પોલીસે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.


Viramgam: વિરમગામના મેલજ ગામમાં પતંગ ચગાવવા મુદ્દે જૂથ અથડામણ, એકનું મોત, ત્રણ ઇજાગ્રસ્ત


વિરમગામઃ અમદાવાદના વિરમગામ તાલુકાના મેલજ ગામમાં પતંગ ચગાવવા મુદ્દે બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં એકનું મોત થયુ હતુ જ્યારે 3 લોકો થયા ઘાયલ થયા હતા. મળતી જાણકારી અનુસાર, વિરમગામ તાલુકાના મેલજ ગામમાં જૂની અદાવત અને પતંગ ચગાવવાની બાબતે ગામમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં લાકડી અને તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાયો હતો.


આ જૂથ અથડામણમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયુ હતુ. જ્યારે એક મહિલા સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘાયલોને સારવાર અર્થે વિરમગામની હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનાને લઈ વિરમગામ પોલીસે તપાસ શરૂ કરી છે.


પતંગ ચગાવવા બાબતે એક જ સમાજના લોકો વચ્ચેના જૂથ અથડામણમાં એકનું મોત થયું છે. જૂથ અથડામણમાં 45 વર્ષીય ઈશ્વરભાઈ દંતાણીનું મોત નિપજ્યુ છે.