રાજકોટ મનપા જરુરિયાતમંદોને બે લાખ રૂપિયામાં આવાસો વેચશે. રાજકોટ શહેરમાં 15 વર્ષથી જર્જરિત પડેલા 1,056 1BHK આવાસ રિનોવેટ કરીને જરુરિયાતમંદોને 2 લાખ રૂપિયામાં વેચવાનો નિર્ણય લેવાયો છે. બેઝિક સર્વિસ ફોર અર્બન પુઅર યોજના હેઠળ પ્રેમમંદિર પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ પર બનેલા આવાસો વર્ષોથી ખાલી રહેતા જર્જરિત બન્યા હતા. તેનું 16.60 કરોડ રૂપિયાના ખર્ચે રીનોવેશન શરૂ કરાયું. સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને મંજૂરી આપી અને 10 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા જરૂરિયાતમંદોને આ ફ્લેટ્સ ફાળવાશે.

Continues below advertisement

આ આવાસ યોજના મહાનગરપાલિકાની અનામત જમીન પર રહેતા અથવા નદી કિનારે વસવાટ કરતા તથા ઝુંપડાઓમાં રહેતા લોકોને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી. જોકે, તેમાં કોઈ રહેવા આવી રહ્યું ન હોવાથી 15 વર્ષથી ખાલીખમ પડ્યા હતા. હવે તેને રિનોવેટ કરીને 2 લાખ રુપિયામાં જરુરિયાતમંદોને વેંચવામાં આવશે.

આ આવાસમાં મકાનો લાભાર્થીને 2 લાખના નજીવા દરે આપવાનું નકકી કરાયું હતું. પાણીના ટાંકા, સિન્ટેકસ ટાંકી, ટેરેસ પર ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મ, રંગરોગાન, ઇલે. વર્ક, નવા બારી-દરવાજા ફીટ કરવા સહિતના કામો કરવામાં આવી રહ્યા છે. પ્રેમમંદિર પાછળ આવાસ યોજનાના કવાર્ટર રીપેર કરવા 7.59 કરોડ રૂપિયા અને પોપટપરાની આવાસ યોજનાના રીપેરીંગ માટે 9.01 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે. આગામી સમયમાં ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને આ આવાસની ફાળવણી કરવામાં આવશે.

Continues below advertisement

ઉલ્લેખનીય છે કે, કુલ 1056 આવાસના રીપેરીંગનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. એકંદરે ગરીબોને 2 લાખમાં જે આવાસ આપવાનો ભાવ નકકી થયો છે, તે આવાસમાં ફલેટદીઠ પોણા બે લાખ જેવો ખર્ચ કરવામાં આવશે. આ આવાસો રેન્ટલ હાઉસિંગ પોલિસી હેઠળ આવતા હોય અન્ય કોઇને ફાળવી ન શકાતા રીપેરીંગનો મોટો ખર્ચ આવ્યો છે. રિનોવેશન પૂર્ણ થયા બાદ માત્ર બે લાખ રૂપિયામાં જ આ આવાસો જરૂરિયાતમંદ લોકોને ફાળવવામાં આવશે. આ આવાસ ખખડધજ બની જાય તે પૂર્વે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્સ મતલબ કે ટોકનદરના ભાડે આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નહોતી.