રાજકોટ: અટીકા ફાટક પાસે ટ્રેન હેઠળ એક વ્યક્તિનું મોત થયું છે. ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા હત્યા કરી હોવાની આશંકા છે.  સમગ્ર બાબતે આરપીએફના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવ બનતા લોકોના ટોળેટોળા ઊમટી પડ્યા છે. મૃતદેહ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.


 વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર


વડોદરામાં વિધર્મી યુવકે યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે.  કુખ્યાત ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી યુવતીનું અપહરણ કર્યું હતું. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ ફૈઝલે દુષ્કર્મ આચર્યું હતું. ફૈઝલે યુવતી સાથે 6 મહિના પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી  મિત્રતા કેળવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ 7 કેસ અને ફિરોઝ સામે 1 કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ગઈ કાલે અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી.


ખેડામાં નહેરમાંથી મહિલા અને બાળકના મૃતદેહ મળી આવ્યા


લાડવેલ પાસે નહેરમાં પડેલ પરિવારમાંથી મહિલા અને એક બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પતિ,પત્ની અને બે બાળકોએ નર્મદાની નહેરમાં ઝંપલાવ્યું હતું. કઠલાલના અપ્રુજી પાસે નહેરમાંથી મહિલા અને બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આશાબેન ઝાલા ઉંમર વર્ષ 28 અને બાળક મયંક ઉંમર વર્ષ 3નો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે કઠલાલ પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતદેહને સરકારી હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે,  જે પરિવારે અગમ્ય કારણોસર નહેરમાં ઝંપલાવ્યું હતું તે પરિવારના મોભીને બચાવી લેવામાં આવ્યા હતા.


અરવલ્લીમાં રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલો મૃતદેહ મળી આવતા ચકચાર


શામળાજીના દહેગામડા જગાપુર પાસેના રેલવે ટ્રેક પર યુવકનો કચડાયેલ મૃતદેહ મળી આવ્યો છે. રેલવે ટ્રેક પર અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. યુવકના મોતનું કારણ અને પરિજનોની ભાળ મેળવવા તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. 


બિહારના છપરા દારૂકાંડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો


બિહારના છપરાના બિહાર ઝેરી દારૂ કેસના માસ્ટરમાઇન્ડની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ ઘણા દિવસોથી કથિત માસ્ટરમાઇન્ડ રામ બાબુને શોધી રહી હતી. તે બિહારથી ભાગી ગયો હતો અને દિલ્હીમાં છુપાયો હતો, જ્યાં દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.