રાજકોટ: આજના યુગના વિદ્યાર્થીઓ કઈ દિશામાં જઇ રહ્યા છે તેનું ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે, રાજકોટમાં એક ચોકાવનારી ઘટના સામે આવી છે. ગે પાર્ટનરને મળવા ગયેલા છાત્રને ગોંધી રાખી વિડીયો ઉતારી બ્લેક મેઈલિંગ કરવામાં આવ્યો હતો. અર્ધ નગ્ન હાલતમાં વિડીયો ઉતારી વાયરલ નહીં કરવા માટે રૂપિયા 50 હજાર માંગ્યા હતા. હાલમાં ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી ટોળકીના ચાર શખ્સને સંકજામાં લીધા છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૂળ સાયલા પંથકનો રહેવાસી અને હાલ રાજકોટના કુવાડવા રોડ પર રહેતો 21 વર્ષીય વિદ્યાર્થી આ ઘટનાનો ભોગ બન્યો છે. આ યુવકે એક ગે યુવાનોને લગતી એપ્લિકેશનમાં રજીસ્ટેશન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, આ એપમાં ગે યુવકો હોય છે. હવે આ યુવકે જેવુ રજિસ્ટ્રેશન કરાવ્યું ત્યારે તેને HI લખીને એક મેસેજ આવ્યો, બાદમાં આ યુવકને મળવા બોલાવ્યો. જેવો યુવક સામેવાળા વ્યક્તિ મળવા ગયો ત્યારે ત્યાં હાજર ચાર યુવકોએ તેને અર્ધ નગ્ન કર્યો અને વિડીયો ઉતારી બાદમાં બ્લેક મેઈલ કરી રૂપિયા માગવામાં આવ્યા હતા. પીડિત યુવકની ફરિયાદ બાદ ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે આ ટોળકીમાં કોણ કોણ સંડોવાયેલુ છે તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલીમાં બની કાળજું કંપાવી દેતી ઘટના
અમરેલીના ખંભાળીયા ગામે કરૂણાંતિક સર્જાઈ હતી. ત્રણ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. ખેતરમાં પાણી નિકાલ માટેના ખાડામાં પગ લપસતાં મોત થયા હતા. જેના કારણે પરપ્રાંતીય આદિવાસી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ગામમાં મજૂરી અર્થે આવેલો પરિવાર મજૂરી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી. મૃતકોના નામ નિલેશભાઈ માનસિંગભાઈ પારધી (ઉં.વ.10), સમીરભાઈ રાકેશભાઈ પારધી (ઉં.વ.5) અને મીનાક્ષીબેન રાકેશભાઈ પારધી (ઉ.વ.7) હોવાનું જાણવા મળ્યું છે.
કેવી રીતે બની ઘટના
મજૂર પરિવારના સભ્યો આગળ જતા અને બાળકો પાછળ ચાલીને જતા હતા. આ દરમિયાન બાળકોના પગ લપસી જતા પાણી ભરેલા ખાડામાં પડ્યા હતા અને ડૂબવા લાગ્યા હતા. બાળકો પાછળ ચાલતા હોવાથી પરિવાર આ વાતથી અજાણ હતો. જ્યારે તેમને જાણ થઈ ત્યારે સ્થળ પર પહોંચીને રોકકળ અને દેકારો કરવા લાગ્યા હતા. જે બાદ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરાઇ હતી. ખાડામાં ડૂબી ગયેલા બાળકોને કાઢીને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં માતા સ્ટ્રેચર પર મૃત અવસ્થામાં રહેલા બાળકને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. જેના કારણે હોસ્પિટલનો માહોલ પણ ગમગીન થઈ ગયો હતો.
ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત
લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત થયો છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે. લકઝરી બસમાં પંચર પડતા ડ્રાઇવર બસ સાઇડમાં રાખી વ્હીલ બદલાવી રહ્યો હતો ત્યારે પાછળથી આવતા ટ્રક ચાલકે બસ સાથે ટ્રક ધડાકા ભેર અથડાવી હતી. વખતપર ગામના પાટીયા પાસે આ ઘટના બની હતી. અકસ્માત સર્જાતા બસ ખાડામાં ઉતરી ગઈ હતી. બસમાં પંચર પડતા મુસાફરો બહાર નીકળી દૂર ઉભા હોવાથી મોટી જાનહાની ટળી હતી.